નાગપુરમાં બરતરફીની નોટિસ મળ્યા બાદ પોલીસ અધિકારીએ ભર્યું અંતિમ પગલું
નાગપુર: સેવામાંથી બરતરફીની નોટિસ મળ્યાના થોડા દિવસો બાદ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરે (એએસઆઇ) નાગપુરમાં ઇવીએમ ધરાવતા સ્ટ્રોંગ રૂમમાં આત્મહત્યા કરી હતી. એએસઆઇ રામચંદ્ર નાનાજી રોહનકરે (54) મંગળવારે રાતે કલમના વિસ્તારમાં સ્ટ્રોંગ રૂમમાં ઝેર ગટગટાવ્યું હતું, જ્યાં તે કાર્યરત હતો. કલમના પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી.
હુડકેશ્ર્વરના રહેવાસી રોહનકરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું બુધવારે સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. રોહનકરના પરિવારે દાવો કર્યો હતો કે 2024માં એક ઘટનાના સંબંધમાં તેને બરતરફીની નોટિસ મળ્યા બાદ તે હતાશ થયો હતો.
આ પણ વાંચો: ગોંદિયામાં હેડ કોન્સ્ટેબલે ભર્યું અંતિમ પગલુંઃ પોલીસ આલમમાં ખળભળાટ
નાગપુરની હોટેલ નિમજે સાવજી ભોજનાલયમાં રોહનકર અને હેડ કોન્સ્ટેબલ ભૂષણ રામચંદ્ર બાલખોદનો ઝઘડો થયો હતો. તેમણે દારૂના નશામાં હોટેલના માલિકની મારપીટ કરી હતી અને તેનો વીડિયો વાયરલ થયો હતો. આથી પોલીસ કમિશનર રવીન્દ્ર કુમાર સિંઘલે બંનેને સસ્પેન્ડ કર્યા હતા.
બંનેને બાદમાં પાછા ફરજ પર લેવામાં આવ્યા હતા અને ઇવીએમના સ્ટ્રોંગ રૂમમાં તેમને ડ્યૂટી આપવામાં આવી હતી. જોકે ગયા સપ્તાહે બંનેને પૂછપરછ બાદ નોટિસ મળી હતી અને પૂછવામાં આવ્યું હતું કે તેમને સેવામાંથી કેમ બરતરફ ન કરવા જોઇએ.
(પીટીઆઇ)