MVAના સાથીપક્ષોની આજે બેઠક, પણ વંચિત બહુજન આઘાડીને આમંત્રણ નહીં

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ગઠબંધન (કૉંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ) વચ્ચે લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) માટે સીટની વહેંચણીને લઈને વિવાદ ચાલી જ રહ્યો છે. મહારાષ્ટ્રમાં લોકસભા સીટની વહેંચણી માટે મહાવિકાસ આઘાડી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચર્ચા કરી શકાય છે.
આ બેઠકમાં મહાવિકાસ આઘાડી દ્વારા પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન આઘાડીને સામેલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પણ હાલની બેઠકમાં પ્રકાશ આંબેડકરને આમંત્રણ નહીં આપતા રાજકીય ચર્ચા શરૂ થઈ છે. જોકે બેઠકને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ચૂંટણી પહેલા મહાવિકાસ આઘાડી વચ્ચે સીટની વહેંચણીને લઈને ચર્ચાઓ અંતિમ તબક્કામાં આવી છે. પ્રકાશ આંબેડકર મહાવિકાસ આઘાડીના જ સભ્ય છે, તેઓ પહેલી બેઠકમાં સામેલ થયા હતા, પણ આજની બેઠકમાં શરદ પવાર જૂથ અને કૉંગ્રેસ વચ્ચે ચર્ચા થઈ હતી.
મહાવિકાસ આઘાડીની બેઠક મુંબઈમાં યોજાઈ રહી છે. લોકસભાની ચૂંટણીમાં પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને આ બેઠક મહત્ત્વની હોઈ શકે છે. આ બેઠકમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), કૉંગ્રેસ અને શરદ પવાર જૂથના મોટા નેતાઓ સામેલ થવાના છે, જોકે મહાવિકાસ આઘાડી (એમવીએ)માં સામેલ થવાની ચર્ચામાં રહેકા પ્રકાશ આંબેડકરને આજની બેઠકમાં આમંત્રિત ન કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
મીડિયાના અહેવાલ મુજબ કૉંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ મુંબઈમાં આવ્યા હોવાથી સીટની વહેંચણીને લઈને નિર્ણય લેવાની સાથે મુંબઈ જેવી અનેક સીટ પર ઉમેદવારોના નામની પણ જાહેરાત આ બેઠક બાદ કરવામાં આવી શકે છે, એવું સૂત્રોએ કહ્યું હતું.