પુણે બાદ હવે આ શહેરમાં પણ GBSનો આતંક, થયું એક વ્યક્તિનું મૃત્યુ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને પુણેમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમના કેસોથી હાહાકાર મચ્યો છે ત્યારે મુંબઇમાં પણ હવે GBSને કારણે એક જણનું મૃત્યુ થયું હોવાના સમાચાર આવ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં GBSના એક દર્દીનું મૃત્યુ થયાના સમાચાર જાણવા મળ્યા છે. અગાઉ મહારાષ્ટ્રના પુણેમા GBSને કારણે સાત દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી મુજબ મુંબઈની નાયર હોસ્પિટલમાં દાખલ થયેલા એક 53 વર્ષીય દર્દીનું GBSને કારણે મૃત્યુ થયું છે. તેઓ બીએમસીની બી એન દેસાઇ હૉસ્પિટલમાં વોર્ડબોય તરીકે કામ કરતા હતા. બીમાર પડ્યા બાદ ઘણા દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ વેન્ટિલેટર પર હતા.
શુક્રવારે જ મુંબઇમાં GBSનો પહેલો કેસ નોંધાયો હતો. મુંબઈમાં અંધેરી પૂર્વ વિસ્તારની એક મહિલાને તાવ અને ઝાડા થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં તેને GBSનું નિદાન થયું હતું. આ મહિલા લકવાગ્રસ્ત થઈ ગઈ હતી.
Also read: પુણેમાં પચીસ વાહનોની તોડફોડ કરવા બદલ ત્રણની ધરપકડ
GBS ઘણો ઘાતક છે ઃ-
GBS દુર્લભ રોગ છે, જે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ પર જ હુમલો કરે છે જેના કારણે શરીરના ભાગો સુન્ન થઈ જાય છે, સ્નાયુઓ નબળા પડી જાય છે અને વ્યક્તિને ખાવાનું ગળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે. ગંભીર કિસ્સાઓમાં વ્યક્તિ સંપૂર્ણપણે લક્વાગ્રસ્ત થઈ શકે છે. આ ડિસઓર્ડર વૃદ્ધો અને પુરુષોમાં થવાની શક્યતા વધુ છે, પરંતુ બધી જ ઉંમરના લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે. પુણેમાં અત્યાર સુધીમાં આ રોગને કારણે સાત જણના મૃત્યુ થયા છે. હવે મુંબઈમાં પણ એક વ્યક્તિનું આ રોગને કારણે મૃત્યુ થતાં કોઈ મૃત્યુ આંક આઠ પર પહોંચ્યો છે