
નાગપુર: નાગપુરમાં અખબારના ભૂતપૂર્વ ફોટોગ્રાફરની હત્યાના કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ફોટોગ્રાફરના જેની સાથે સંબંધ હતા એ મહિલાએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને શૂટરને હત્યા કરવાનું કહ્યું હતું.
ફોટોગ્રાફર વિનય ઉર્ફે બબલુ પુણેકર (54)ની તેના નિવાસસ્થાને 23 ફેબ્રુઆરીએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં સાક્ષી ગ્રોવર (36) નામની મહિલાની ધરપકડ કરી હતી, જ્યારે શૂટર હેમંત શુકલાની શોધ ચલાવી હતી.
પૂછપરછ દરમિયાન સાક્ષીએ હત્યા સાથે કોઇ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે તેના શુકલા સાથેના ડિલિટ વ્હૉટ્સઍપ ચેટ્સ પાછા મેળવતાં તેણે જ પુણેકરની હત્યા માટે શુકલાને ઉશ્કેર્યો હોવાનું બહાર આવ્યું હતું. સાક્ષીની સૂચના પરથી શુકલાએ પુણેકરને બે ગોળી મારી હતી. બંને ગોળી અલગ અલગ રિવોલ્વરથી મારી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર સાક્ષી મધ્ય પ્રદેશની વતની છે. તેનાં લગ્નનાં થોડાં વર્ષ બાદ મૃત્યુ પામ્યો હતો. બાદમાં પુણેકર સાથે તેણે સંબંધ બાંધ્યો હતો. હાલ તે શુકલા સાથે રિલેશનશિપમાં હતી. શુકલાને શંકા હતી કે સાક્ષી હજી પણ પુણેકર સાથે સંબંધ રાખે છે. જેથી તેણે વાંધો ઉઠાવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
વ્હૉટ્સઍપ ચેટ પરથી પોલીસે શોધી કાઢ્યું હતું કે 22 ફેબુઆરીએ સાક્ષીએ શુકલાને કૉલ કરીને પુણેકરની હત્યા કરવા કહ્યું હતું. સાક્ષીએ હિંદીમાં મેસેજ લખ્યો હતો, ‘અગર મૈં ઉસકા ઘર દિખા દૂં તો ક્યા તુમ ઉસકો માર દોગે?’
આ મેસેજ પરથી પોલીસને સાક્ષીની ભૂમિકા પર શંકા ગઇ હતી, જેથી તેની આકરી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)