મિક્સર, સાડી, નાસ્તા અને રોકડ પણ, જાણો મતદાનની આગલી રાત્રે મહારાષ્ટ્રમાં શું થયું?

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આજે સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે લોકશાહીના પવિત્ર પર્વ પર ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાએ ઈવીએમ ખોટકાવવાની વચ્ચે વોટિંગ માટેની શાહી માટે દાવા કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી ટાણે આ વખતે પણ મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત મહારાષ્ટ્રની અનેક પાલિકાની હદમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રોકડ રકમ, સાડીઓ અને અન્ય વસ્તુઓની લ્હાણી કરવામાં આવી રહી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ પ્રવૃત્તિઓએ નિષ્પક્ષ ચૂંટણીના દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.
નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં મંગળવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. રાત્રે સાડા નવ વાગ્યે એક અગ્રણી પક્ષના કાર્યકરો સોસાયટીમાં વોટર સ્લિપ આપવાના બહાને ઘૂસ્યા હતા. સ્મિત સાથે વાત કરી તેઓ દરેક મતદાર દીઠ ₹ 2,000 (500ની ચાર કોરી નોટ) ભરેલું કવર ‘ભેટ’ તરીકે આપી રહ્યા હતા. જોકે, એક જાગૃત નાગરિકે પત્રકારને જાણ કરતાં આ સમગ્ર ખેલ ખુલ્લો પડ્યો હતો. પત્રકારે જ્યારે આ કાર્યકરોને તેમની ગેરકાયદે પ્રવૃત્તિ વિશે પૂછ્યું, ત્યારે તેઓ ગભરાઈને ભાગી છૂટ્યા હતા. સોસાયટીની બહાર તો રોકડથી ભરેલી એક આખી વેન ઊભેલી જોવા મળી હતી.
આ પણ વાંચો: ચૂંટણી પહેલા ૪૫.૯૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને ૩.૧૦ કરોડની રોકડ જપ્ત
માત્ર ખારઘર જ નહીં, પણ ધારાવી, સાયન, બોરીવલી, થાણે અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા વિસ્તારોમાં પણ આવી જ ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત દહીંસરમાં પણ મિક્ષર આપ્યાનો વીડિયો વાયરલ થયો હતો. જો કે એ વીડિયોની પુષ્ટી મુંબઈ સમાચાર કરી નથી રહ્યું. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થયા છે જેમાં કાર્યકરો વચ્ચે નાણાંની વહેંચણી બાબતે ઝઘડા થતા જોઈ શકાય છે. ક્યાંક ચાંદીના વાટકા તો ક્યાંક ઘરવખરીની વસ્તુઓ જેમ કે મિક્સર વહેંચવામાં આવ્યા હતા. નાલાસોપારામાં તો ફ્લાઈંગ સ્ક્વોડે બે ટુ-વ્હીલર સવારો પાસેથી ₹ 10 લાખની રોકડ જપ્ત કરી હતી. ખાંડેશ્વર પોલીસ સ્ટેશનમાં આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ એફઆઈઆર (FIR) પણ નોંધવામાં આવી હતી.
આ કૌભાંડને પગલે રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવસેના (UBT) અને કોંગ્રેસે સત્તાધારી પક્ષો પર સરકારી મશીનરીનો દુરુપયોગ કરી ગેરકાયદે નાણાં વહેંચવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ભાજપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ જણાવ્યું છે કે તેઓ તમામ પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી ચૂક્યા છે અને ફ્લાઈંગ સ્ક્વોડ તથા સર્વેલન્સ ટીમોને સતર્ક કરી દેવામાં આવી છે. જોકે, ગરીબ વિસ્તારોમાં હજુ પણ લોકો પક્ષોની ઓફિસે જઈને ‘અમને પૈસા કેમ ના મળ્યા’ તેવી માંગણી કરતા જોવા મળે છે, જે લોકશાહીની વરવી વાસ્તવિકતા દર્શાવે છે.



