પોલીસ કાર્યવાહીનો ડર બતાવી વૃદ્ધા પાસેથી 1.26 કરોડ રૂપિયા પડાવ્યા: બેની ધરપકડ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

પોલીસ કાર્યવાહીનો ડર બતાવી વૃદ્ધા પાસેથી 1.26 કરોડ રૂપિયા પડાવ્યા: બેની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગુનેગારી કૃત્યમાં સંડોવણીનું જુઠ્ઠાણું ચલાવ્યા બાદ પોલીસ કાર્યવાહીનો ડર બતાવી વૃદ્ધા પાસેથી 1.26 કરોડ રૂપિયા કથિત રીતે પડાવનારી સાયબર ફ્રોડ ટોળકીના બે સભ્યની પોલીસે ધરપકડ કરી હતી.

વેસ્ટ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ રોહિત સંજય સોનાર (33) અને હિતેશ હિંમત પાટીલ (31) તરીકે થઈ હતી. જળગાંવ જિલ્લાના રહેવાસી એવા બન્ને આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલા ત્રણ મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો… ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે મુંબઈની મહિલા સાથે થઈ રૂ. 56 લાખની લૂંટ, લખનઉથી ઝડપાઈ નકલી CBI ઓફિસરની ગેંગ…

પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકરણે 72 વર્ષની સિનિયર સિટીઝને બુધવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે સૌપ્રથમ 18 ઑગસ્ટે આરોપીએ ફરિયાદીને વ્હૉટ્સઍપ કૉલ કર્યો હતો. એક ગુનામાં ફરિયાદીની સંડોવણી સામે આવી હોવાથી તેમની સામે ધરપકડ વૉરન્ટ જારી કરાયા હોવાનું આરોપીએ કહ્યું હતું.

ફરિયાદીના કહેવા મુજબ આરોપીએ પોતાની ઓળખ ડીસીપી સંજય અરોરા તરીકે આપી હતી. બાદમાં દિલ્હી પોલીસ અને બૉમ્બે હાઈ કોર્ટ તેમ જ સીબીઆઈના અધિકારીના સ્વાંગમાં આરોપીએ ફરિયાદી સાથે વાત કરી હતી. આરોપીઓ પોલીસના ગણવેશમાં હતા. ધરપકડ કરી પોલીસ કસ્ટડીમાં નાખવાની ધમકી આપી આરોપીએ વિવિધ બૅન્ક ખાતાંમાં 1.26 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરિયાદીને ફરજ પાડી હતી.

આ પણ વાંચો… ડિજિટલ અરેસ્ટની ધાકે વૃદ્ધા પાસેથી 7.8 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં યુવકની ધરપકડ

વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જે બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર થયાં હતાં તેની વિગતો પ્રાપ્ત કરી હતી. પોલીસે 1.23 કરોડ રૂપિયા બૅન્ક ખાતાંમાં ફ્રીઝ કરાવ્યા હતા. બૅન્ક ખાતાની વિગતોને આધારે પોલીસ સોનાર સુધી પહોંચી હતી. સાયબર ફ્રોડ માટે સોનારના બૅન્ક ખાતાનો ઉપયોગ થયો હતો. જોકે એ બૅન્ક ખાતાં સંબંધી માહિતી અને કિટ આરોપી પાટીલે થાઈલૅન્ડમાં સાયબર ઠગ ટોળકીને મોકલાવી હતી. પોલીસે પાટીલને પણ તાબામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button