કોંગ્રેસ હાઈકમાન્ડને મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ થઈ છે કે નહીં તે અંગે મને ખબર નથી: એમપીસીસી વડા સપકાળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળ ગુરુવારે રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી)ને મળેલા વિપક્ષી પ્રતિનિધિમંડળમાં પોતાની ગેરહાજરીના મુદ્દાને હળવાશથી લેવાનો પ્રયાસ કરતાં કહ્યું હતું કે તેમને આ મુદ્દે પાર્ટી નેતૃત્વને તેમની વિરુદ્ધ કોઈ ફરિયાદ થઈ કે નહીં તેની જાણકારી નથી.
સપકાળે કહ્યું હતું કે કોંગ્રેસને વિપક્ષી બહુપક્ષી પ્રતિનિધિમંડળમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું અને નવી દિલ્હીમાં પાર્ટીના મોવડીમંડળ સાથેની પૂર્વનિર્ધારિત બેઠકને કારણે તેઓ આ પ્રતિનિધિમંડળમાં સામેલ થઈ શક્યા નહોતા.
વિપક્ષી નેતાઓ બુધવારે રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારે અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકલિંગમને મળ્યા હતા અને મહત્વપૂર્ણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં મતદારોની યાદીમાં કથિત ગેરરીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આગ્રહ રાખ્યો હતો કે જ્યાં સુધી મતદાર યાદીઓ સંપૂર્ણપણે ‘સુધારી ન લેવાય’ ત્યાં સુધી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ન કરાવવી જોઈએ.
આ પણ વાંચો : ઇન્ડિ ગઠબંધનમાં જોડાવા અંગે મનસે તરફથી કોઈ પ્રસ્તાવ નહીં: સપકાળ
શિવસેના (યુબીટી)ના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પ્રતિનિધિમંડળમાંથી તેમની ગેરહાજરી સામે કોંગ્રેસ હાઈકમાન્ડને લેખિત ફરિયાદ સબમિટ કરી હોવાના પ્રશ્ર્નના જવાબમાં એમપીસીસી પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આ કોઈ ફરિયાદનો મુદ્દો નથી.’તેમણે ધ્યાન દોર્યું કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુરાવા સાથે કથિત ચૂંટણી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે અને મહારાષ્ટ્રમાં પણ ‘મતદાનમાં છેતરપિંડી’ના કેસોનો ઉલ્લેખ કર્યો છે.
‘પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું અને ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી. (સપકાળ સામે) કોઈ ફરિયાદ કરવાનો કોઈ સવાલ જ નહોતો. મને આવી કોઈ ફરિયાદ બાબતે જાણકારી નથી,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસે પોતાના સ્વ-પ્રચારમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું: હર્ષવર્ધન સપકાળ
‘વરિષ્ઠ કાર્યકારી અને સીડબ્લ્યુસીના સભ્ય બાળાસાહેબ થોરાત, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર અને મુંબઈ કોંગ્રેસના પ્રમુખ વર્ષા ગાયકવાડે (પ્રતિનિધિમંડળમાં) પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હું કેન્દ્રીય નેતૃત્વ સાથે પૂર્વનિર્ધારિત બેઠક માટે દિલ્હીમાં હતો તેથી કોઈ સમસ્યા નહોતી,’ એમ તેમણે સમજાવ્યું હતું.