Monsoon Side Effects: ચિપલુણમાં અચાનક રસ્તા પર આવ્યો મગર, વીડિયો વાઈરલ
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે ત્યારે રત્નાગિરીમાં વરસાદ વરસવાની સાથે જ એક ચોંકાવનારી ઘટના બની હતી. રત્નાગિરીમાં ચિપલુણના ચિંચનાકા ખાતે વરસાદ વરસ્યા બાદ એક આઠ ફૂટ લાંબો મગર રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો હતો, જેને પગલે સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
રસ્તા પર દેખાયેલો મગર લગભગ આઠ ફૂટ લાંબો હતો. મગર રસ્તા પર છુટ્ટો ફરતો જોવા મળ્યો હોવાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક રિક્ષાવાળાએ શૂટ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
વીડિયોમાં વાહનચાલકો મગરથી સલામત દૂરી રાખીને પસાર થતા હોવાનું દેખાય છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યા મુજબ આ મગર વરસાદ બાદ વશિષ્ઠ અથવા તો શિવ નદીમાંથી શહેર વિસ્તારમાં ઘૂસી આવ્યો હોવો જોઇએ. આ ઘટના રવિવારે રાતે બની હતી અને રસ્તા પરથી પસાર થતા અનેક લોકોએ મગરનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.
રત્નાગિરીમાં નદીઓ હોવાના કારણે અહીં અનેક મગર મળી આવતા હોય છે. મીઠા પાણીના મગર, ખારા પાણીના મગર અને ઘડિયાળ એમ ત્રણ પ્રકારના મગરની પ્રજાતિ ભારતમાં જોવા મળે છે જેમાં રત્નાગિરી મીઠા પાણીના મગર માટે જાણીતું છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યા અનુસાર વરસાદના કારણે રત્નાગિરીની નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે જેના કારણે મગર નદીમાંથી બહાર આવી શહેરી વિસ્તારમાં આવી જાય છે. ગુજરાતમાં વડોદરામાં પણ ચોમાસા દરમિયાન મગરનું દેખા દેવું સામાન્ય બાબત છે. વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધતા તેમાં રહેતા મગર અવારનવાર શહેર વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. હાલમાં જ વડોદરમાં વિશ્વામિત્રી નદીમાંથી શહેર વિસ્તારમાં આંટા મારી રહેલો 12 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો.