કોંકણમાં પાકને થતા નુકસાનને રોકવા સરકાર વાંદરા અને લંગુર માટે વંધ્યીકરણ સેન્ટર બનાવશે: પ્રધાન

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર કોંકણમાં વાંદરા અને લંગુરની વસ્તીને નિયંત્રણમાં રાખવા અને તેમને કારણે પાકને થતા નુકસાનને ઘટાડવા માટે તેમના વંધ્યીકરણ કેન્દ્રો બનાવવાનો વિચાર કરી રહી છે, એમ રાજ્યના વનવિભાગના પ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું.
ગણેશ નાઈકે બુધવારે દાપોલીમાં એક બેઠક કરી હતી અને તેમાં ખેડૂતોને વન્ય પ્રાણીઓને કારણે થતી અગવડો પર વિચાર કરવામાં આવ્યો હતો.
કોંકણમાં વાંદરા અને લંગુરની વધી રહેલી વસ્તીને કારણે થતા નુકસાન ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં થતા નુકસાનને કારણે લાંબા ગાળાના પ્રતિબંધાત્મક વિકલ્પો અંગે વિચારવાની ફરજ પડી છે. અત્યારે અમે રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં વંધ્યીકરણ કેન્દ્રો સ્થાપવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છીએ, જેથી તેમની વસ્તીને નિયંત્રણમાં રાખી શકાય, એમ નાઈકે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે વન્ય પ્રાણીઓને કારણે થતા નુકસાનના બદલામાં ખેડૂતોને વળતર આપવાનો વિકલ્પ કાયમી ઉકેલ નથી.
અમારે ટકાાઉ પગલાં લેવા આવશ્યક છે, જેથી કરીને આવા પ્રકારના નુકસાનને ભવિષ્યમાં રોકી શકાય. જંગલી ડુક્કર, વાંદરા અને લંગુર ફક્ત દાપોલીમાં જ પાકને નુકસાન નથી કરતાં, તેઓ હવે ગામડા અને ઘરોમાં પહોંચી ગયા છે, એમ નાઈકે કહ્યું હતું.
આવા પ્રકારની તેમની ઘુસણખોરી સ્થાનિકોના જીવન માટે સંકટ સમાન છે, એમ તેમણે કહ્યું હતું. પ્રધાને એવી ખાતરી આપી હતી કે લાંબાગાળાના પગલાં લેવા માટે ભંડોળની કોઈ અછત રહેશે નહીં.