મરાઠી વિરોધી ટિપ્પણી બદલ મનસેના કાર્યકરોએ દુકાનદારને ધીબેડ્યો

થાણે: કલ્યાણમાં રાજ ઠાકરે અને મરાઠી લોકો માટે અપમાનજનક ટિપ્પણી કર્યાનો આક્ષેપ કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ દુકાનદારની મારપીટ કરી હતી.
મારપીટનો વીડિયો વાયરલ થતાં પોલીસે તેની નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારે દુર્ગામાતા મંદિર ચોક ખાતેની એક હોટેલમાં બની હતી.
આ પણ વાંચો : MNS કાર્યકર્તાઓએ વિક્રોલીમાં મારવાડી દુકાનદારને માર માર્યો! વિવાદ વધુ વકરશે?
વીડિયો ક્લિપમાં મનસેના કલ્યાણ પૂર્વના પદાધિકારી કુશ રાજપૂત અને અન્ય કાર્યકરો સાઉથ ઈન્ડિયન ફૂડનું આઉટલેટ ચલાવનારાને દમદાટી આપતા અને મારપીટ કરતા નજરે પડે છે. તેને માફી માગવાની ફરજ પાડવામાં આવે છે અને ભવિષ્યમાં આવી ટિપ્પણી ન કરવાની ખાતરી લેવામાં આવે છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો કલ્યાણની ઘટનાનો વીડિયોની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જોકે સંબંધિત વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)