મૃત માનેલો પુત્ર ૩ મહિના પછી જીવતો મળ્યો: વીડિયો કોલ પર જોઇ પરિવારની ખુશીનો પાર ન રહ્યો

મુંબઈઃ મૃત વ્યક્તિ થોડા સમય પછી જીવતી પાછી ફરે એવું રીલ લાઈફમાં તો ઘણીવાર જોવા મળ્યું છે, પરંતુ આવું જ કંઈક રિયલ લાઈફમાં પણ થયું છે. મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના કારંજા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી શનિવારે માનવતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ આપતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનાએ એક પરિવારના ત્રણ મહિનાના શોકને ખુશીમાં ફેરવી દીધો અને એ પણ સાબિત કર્યું કે પોલીસ ફક્ત કાયદાનું જ નહીં પણ સંબંધોનું રક્ષણ કરે છે.
યુવક ગુમ હતો
બિહારના બત્તીસઅમરા જિલ્લાના બજરંગ ચોકમાં રહેતો જયપાલ નામનો યુવક છેલ્લા ત્રણ મહિનાથી ગુમ હતો. પરિવારે બધે શોધખોળ કરી, પરંતુ જ્યારે તેનો કોઈ પત્તો ન મળ્યો, ત્યારે તેઓએ આશા ગુમાવી દીધી અને ધારી લીધું કે તેમનો પુત્ર હવે જીવિત નથી. પરિવાર ઊંડા આઘાત અને શોકમાં ડૂબી ગયો.
આ પણ વાંચો: મૃત ફાયરબ્રિગેડના જવાનને વળતરને આપવાની માગણી
યુવાન જંગલમાં ભટકતો હતો
તેના ભાગ્યમાં કંઈક જુદું જ લખાયેલું હતું. વાશિમના મનોરા ખાતે વન વિભાગના કર્મચારીઓએ એક યુવાનને જંગલમાં એકલો ભટકતો જોયો. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જયપાલ જણાવ્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને યુવકને કારંજા શહેર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો.
પોલીસ સ્ટેશનમાં ફરજ પરના કોન્સ્ટેબલ વિજય ગંગાવણેએ જયપાલની વાત ધીરજપૂર્વક સાંભળી અને તેના અસ્પષ્ટ શબ્દો પરથી તેના ગામનું નામ સમજી ગયા. ગામના નામ પરથી કોન્સ્ટેબલ ગંગાવણેએ ગુગલ મેપ અને પાનની દુકાનના બોર્ડ પર લખેલા મોબાઇલ નંબર દ્વારા સંપર્ક કર્યો અને આખરે જયપાલના પરિવાર સુધી સમાચાર પહોંચ્યા.
વીડિયો કૉલ પર ખુશીના આંસુ
પોલીસ ટીમે વીડિયો કોલ પર જયપાલને તેના માતા-પિતા સાથે વાત કરાવી ત્યારે સ્ક્રીનની બંને બાજુ લાગણીઓનું પૂર આવ્યું હતું. ત્રણ મહિના પહેલા જેને તેઓ મૃત માનતા હતા, તેને પોતાની નજર સામે જીવતો જોઈને માતા-પિતાની આંખો માંથી અવિરત આંસુ વહી રહ્યા હતા.
ત્યાર બાદ ઇન્સ્પેક્ટર શુક્લા અને સ્થાનિક નાગરિક સલમાન મેમણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી. સંપૂર્ણ સહયોગ અને સંવેદનશીલતા સાથે, જયપાલને સુરક્ષિત રીતે બિહાર તેના પરિવાર પાસે મોકલી આપવામાં આવ્યો.