મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં માછીમારી કરવા ગયો 50 વર્ષીય માછીમાર અને…

મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં એક માછીમાર હોડીમાં બેસીને માછલી પકડવા ગયો હતી. દરમિયાન દલદલમાં તેની હોડી ફસાઈ ગઈ હતી. સ્થાનિકો અને પરિવારજનોએ આ ઘટનાની માહિતી પ્રશાસનને આપી હતી અને રેસ્ક્યુ ટીમે આવીને માછીમારનો જીવ બચાવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ઘટના થાણે જિલ્લાની છે. શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ અરૂણ કોળી નામનો માછીમાર હોડી લઈને ખાડીમાં માછીમારી કરવા ગયો હતો. માછીમારી કરીને પાછા ફરતી વખતે જ અરૂણની હોડી દલદલમાં ફસાઈ ગઈ હતી.
શુક્રવારે સવારે માછીમારી માટે નીકળેલો અરૂણ લાંબા સમય સુધી જ્યારે ઘરે પાછો ન ફર્યો ત્યારે તેનો પરિવાર ચિંતામાં પડી ગયો હતો અને તેની શોધખોળ કરવા માટે નીકળ્યો હતો અને તેમણે જોયું તો અરૂણ તેની હોડી સાથે ખાડીના દલદલમાં ફસાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.
પરિવારે તાત્કાલિક આ ઘટનાની જાણ નજીકના પોલીસ સ્ટેશનને આપી હતી. આ વાતની સુચના મળતાં જ પોલીસ રેસ્ક્યુ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને અરૂણ દલદલમાં ફસાયેલો જોવા મળ્યો હતો.
તાત્કાલિક અરૂણને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બે કલાકની આકરી મહેનત બાદ આખરે રેસ્ક્યુ ટીમને 50 વર્ષીય અરૂણને સુખરૂપ ઉગારી લેવામાં સફળતા મળી હોવાનું રેસ્ક્યુ ટીમના ઉપરી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.