ચમત્કારઃ કોલ્હાપુરમાં હોસ્પિટલે મૃત જાહેર કરેલ વૃદ્ધને મળ્યું ‘નવજીવન’, કઈ રીતે?

કોલ્હાપુરઃ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી એક વિચિત્ર સમાચાર જાણવા મળ્યા છે જેને તમે નવા વર્ષનો ચમત્કાર અથવા ‘ન્યૂ યર મિરેકલ’ પણ કહી શકો છો. રસ્તા પરના જે ખાડા લોકોના જીવ લેવા માટે બદનામ છે એ જ ખાડા એક વ્યક્તિને જીવંત કરવામાં નિમિત્ત બન્યા હતા! કોલ્હાપુરમાં પાંડુરંગ તાત્યા નામના વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. પરિવારજનોએ અંતિમસંસ્કારની તૈયારીઓ શરુ કરી દીધી હતી. એટલું જ નહીં, વૃદ્ધના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે લાવવામાં આવી રહ્યો હતો. રસ્તામાં એમ્બ્યુલન્સ ખાડા સાથે અથડાતા અચાનક વૃદ્ધ પાંડુરંગ શ્વાસ લેવા લાગ્યા.
મળતા અહેવાલ મુજબ આ ઘટના કોલ્હાપુરના બાવડા ગામમાં બની હતી. અહીંના પાંડુરંગ તાત્યા 15 દિવસ પહેલા પૂજા કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારના સભ્યો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમની સારવાર પણ કરી હતી.
આપણ વાંચો: કોલ્હાપુરમાં ગઠિયા ખેલ કરી ગયાઃ વિજિલન્સ અધિકારીના સ્વાંગમાં વેપારીના 25 લાખ લૂંટ્યા
ડોક્ટરોએ તેમને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ સારવાર દરમિયાન વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ડૉક્ટરોએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. આ સમાચાર ફેલાતા જ તમામ સંબંધીઓ તેમના ઘરે ભેગા થવા લાગ્યા હતા. અંતિમસંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પાંડુરંગનો મૃતદેહ થોડીવારમાં એમ્બ્યુલન્સમાં ઘરે પહોંચવામાં હતી ત્યારે ચમત્કાર થયો હતો.
સ્વજનોમાં શોકનું વાતાવરણ હતું. રડતા રડતા સૌ એકબીજાને સાંત્વના આપતા હતા. થોડીવારમાં સમાચાર આવ્યા કે એમ્બ્યુલન્સનો અકસ્માત થયો છે અને મૃત પાંડુરંગ જીવતા થયા હતા. એમ્બ્યુલન્સ ખાડામાં અથડાયા બાદ વૃદ્ધનું શરીર અચાનક હલવા લાગ્યું હતું. પરિવારના સભ્યોએ ફરી એમ્બ્યુલન્સને કદમવાડી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
પાંડુરંગને ત્યાં ફરીથી સારવાર આપવામાં આવી. વૃદ્ધનું શરીર સારવારને પ્રતિસાદ આપવા લાગ્યું અને તે સંપૂર્ણ સભાન થઈ ગયા અને પોતાના પગ પર ઉભા થઇ ગયા. થોડા સમય પછી, તેમને સલામત સ્થિતિમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે હોસ્પિટલે તેમને મૃત ઘોષિત કર્યા હતા ત્યાંથી તેઓ સ્વસ્થ થઈને પોતાના પગે ચાલતા પોતાના ઘરે પહોંચ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે આ બધું ભગવાન પાંડુરંગાની કૃપાથી થયું હતું.