બળાત્કાર બાદ બાળકીની હત્યા: માલેગાંવમાં બંધ પાળવામાં આવ્યો

નાશિક: ચાર વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યાની ઘટનાને લઇ નાશિક જિલ્લાની માલેગાંવ કોર્ટ બહાર શુક્રવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ આ કેસમાં પકડાયેલા આરોપીને મૃત્યુદંડની સજાની માગણી કરી હતી.
માલેગાંવમાં બંધ પાળવામાં આવ્યો હતો અને હજારો લોકોએ પગપાળા મોરચો કાઢ્યો હતો અને કેટલાક પ્રદર્શનકારીઓએ કોર્ટ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસ કર્મચારીઓએ તેને રોક્યા હતા.
દરમિયાન રાજ્યના પ્રધાન નરહરિ ઝિરવાલે જણાવ્યું હતું કે આરોપીને આ ગુના માટે કડક સજા આપવામાં આવશે.
એફડીએ પ્રધાને શુક્રવારે માલેગાંવ તાલુકાના ગામમાં મૃત બાળકીના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમની સાથે મરાઠા અનામત નેતા મનોજ જરાંગે પણ હતા.
આપણ વાચો: બાળકીની બળાત્કાર બાદ હત્યાના આરોપીએ બીજી બાળકી સાથે પણ એવું જ કૃત્ય આચર્યું…
આ એક ભયાનક ગુનો છે. હું કેબિનેટમાં આ મામલો ઉઠાવીશ. આરોપી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે અને બે મહિનામાં મૃત્યુદંડની સજા સુનિશ્ર્ચિ કરવાના પ્રયાસો કરાશે, એમ પણ ઝિરવાલે કહ્યું હતું.
પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે તેઓ સરકારને આ સંવેદનશીલ કેસમાં વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમને સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવા વિનંતી કરશે.
નોંધનીય છે કે ડાંગરાળે ગામમાં 16 નવેમ્બરે બાળકી પર બળાત્કાર ગુજારાયા બાદ પથ્થર ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટે 27 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઇ)



