આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

નવા પ્રધાનોની શપથવિધિ બાદ ખાતાની વહેંચણી ક્યારે?

મુંબઈ: નવી સરકારના નવા પ્રધાનોનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે થયો હતો. કુલ 39 પ્રધાનોએ પદના શપથ લીધા હતા. જેમાં 6 રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ થાય છે. જેમાં 25 જેટલા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. મહાયુતિ સરકાર દ્વારા મહિલાઓ, યુવાનો અને વિવિધ સમુદાયોને ધ્યાનમાં લઈને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે કેબિનેટ વિસ્તરણમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તાં કાપવામાં આવ્યાં છે. નવી સરકારના પ્રધાનમંડળના શપથ ગ્રહણ સમારોહ બાદ ખાતાઓની વહેંચણી ક્યારે થશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે. તેના પર નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મહત્વનો જવાબ આપ્યો છે.

આપણે બધા શિયાળુ સત્રના અવસરે નાગપુરમાં આવ્યા છીએ. તાજેતરમાં કેબિનેટની બેઠક મળી હતી. હાલમાં જ વિપક્ષી દળોએ ચા-પાન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. આ વર્ષોથી ચાલી રહ્યું છે. તેથી ચા પીવી કે નહીં એ વિચારવા જેવો પ્રશ્ર્ન છે. વિપક્ષે મુખ્ય પ્રધાનને જે પત્ર મોકલ્યો છે, તેમાં તેઓએ અલગ-અલગ રીતે કેટલીક સામાન્ય બાબતો આપવાનો પ્રયાસ કર્યો છે, એમ અજિત પવારે કહ્યું હતું.



મહાયુતિ પ્રચંડ બહુમતી સાથે સરકારમાં આવી છે અને કેબિનેટના શપથ ગ્રહણ સાથે સરકારને ખરેખર અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બે-ત્રણ દિવસમાં દરેકને ખાતાં વહેંચશે અને દરેક વ્યસ્ત થઈ જશે. અમારી પાસે બહુમતી હોવાથી લોકોએ અમને આપેલા વિશ્ર્વાસને પાત્ર બનીને વિકાસના કામો હાથ ધરવા અમે સૌ પ્રયત્નશીલ છીએ. તેમજ વિપક્ષની સંખ્યા ઓછી હોવા છતાં મહારાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં મહત્વના પ્રશ્ર્નોની ચર્ચા ગૃહમાં થશે તો મહારાષ્ટ્રના હિતમાં જવાબો આપવામાં આવશે. વિરોધીઓએ પણ તે રીતે પ્રશ્ર્નો ઉઠાવવા પડશે, એમ અજિત પવારે કહ્યું હતું.

ખાતાંની વહેંચણી પર દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

આ દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ખાતાની વહેંચણી પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમે આગામી બે દિવસમાં ખાતાઓની ફાળવણી પૂર્ણ કરીશું. અમે લગભગ બધા મુદ્દે સહમતી સાધી લીધી છે. આ સત્રમાં અમે અપેક્ષા રાખીએ છીએ કે રાજ્યપાલના અભિવાદન પર ચર્ચા થશે, પૂરક માંગણીઓ પર ચર્ચા થશે, શાસક અને વિપક્ષની દરખાસ્તો પર ચર્ચા થશે, તેમજ આ સત્રમાં લગભગ 20 બિલો સામે આવશે. તેથી અમે સારું કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button