ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે પ્રધાન શિરસાટ વિપક્ષી નેતા દાનવેએ તાણી સામસામી તલવારો

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલતાબાદમાં મોગલ શાસક ઔરંગઝેબની કબરના મુદ્દા પર શનિવારે શિવસેનાના બે જૂથો, સત્તાધારી શિવસેના અને વિપક્ષી શિવસેના (યુબીટી) વચ્ચે મોટા પાયે શાબ્દિક ટપાટપી જોવા મળી હતી.
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અને શિવસેના (યુબીટી)ના અંબાદાસ દાનવેએ કહ્યું કે કબરની હાજરી એ વાત યાદ અપાવે છે કે મોગલ રાજાને પરાજિત કરવામાં આવ્યો હતો અને અહીં દફનાવવામાં આવ્યો હતો.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન ઔરંગઝેબના શાસન કરતાં પણ ખરાબ: સંજય રાઉત
આપણે આપણી ભાવિ પેઢીઓને કહી શકીશું કે, ઔરંગઝેબ અહીં આવ્યો હતો અને આ ભૂમિમાં જ દફનાવવામાં આવ્યો હતો, તેમણે એમ પણ કહ્યું હતું કે, કબર હટાવવાની માંગ ‘આ ઇતિહાસનો અંત લાવવાનું કાવતરું’ છે.
તેમણે કબર હટાવવા માગતા લોકોને ‘જો હિંમત હોય તો જાઓ અને કરો’ એમ કહીને પણ કબર હટાવવા માટે મોટો પડકાર ફેંક્યો હતો.
તેમને વળતો જવાબ આપતાં રાજ્યના પ્રધાન સંજય શિરસાટે કહ્યું હતું કે, છત્રપતિ સંભાજી મહારાજને ત્રાસ આપનારા અને ફાંસી આપનારા ક્રૂર સમ્રાટની કબર માટે મહારાષ્ટ્રમાં કોઈ સ્થાન નથી.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઔરંગઝેબની કબર તોડવાથી શું? તેને ઉઘાડો પાડો…
‘તે દૂર કરવી જ જોઈએ. જે લોકો ઔરંગઝેબ અને તેમની કબરને પ્રેમ કરે છે તેઓ અવશેષો ઘરે લઈ જઈ શકે છે,’ એમ શિરસાટે કહ્યું હતું,
શિરસાટની પાર્ટી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના રાજ્યની મહાયુતિ સરકારનો ભાગ છે અને તેઓ છત્રપતિ સંભાજીનગર જિલ્લાના પાલક પ્રધાન પણ છે.
દાનવે પર પ્રહાર કરતા શિરસાટે કહ્યું હતું કે, ‘તેઓ (વિરોધીઓ) પાકિસ્તાનના ધ્વજ સાથે રેલીઓ કાઢે છે. જો તેઓ આવું વિચારે છે, તો તેમણે ત્યાં જઈને નમાજ અદા કરવી જોઈએ.’