મહારાષ્ટ્ર

પ્રધાન અતુલ સાવેને મોટો ઝટકો, મંજૂર થયેલા કામો મુખ્ય પ્રધાને સ્થગિત કર્યા

નાંદેડ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ પ્રધાન અતુલ સાવેને મોટો ઝટકો આપ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અતુલ સાવે દ્વારા મંજૂર કરાયેલા કામોને સ્થગિત કરી દીધા છે. ભાજપના પ્રધાન મેઘના બોર્ડીકર અને વિધાનસભ્ય તુષાર રાઠોડે ફડણવીસને અતુલ સાવે વિશે ફરિયાદ કરી હતી.

ફડણવીસે તેમની ફરિયાદની નોંધ લીધી હતી અને અતુલ સાવે દ્વારા મંજૂર કરાયેલા કાર્યોને સ્થગિતી આપી છે, એવો દાવો એક મરાઠી ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવ્યો છે.

અતુલ સાવેએ નાંદેડ જિલ્લામાં કેટલાક કામોને મંજૂરી આપી હતી, પરંતુ ભાજપના જ મેઘના બોર્ડીકર, તુષાર રાઠોડ અને શિંદે સેનાના બાબુરાવ કદમની ફરિયાદ બાદ ફડણવીસે નાંદેડના તાંડા કોલોનીમાં 7.25 કરોડ રૂપિયાના કામોને સ્થગિત કરી દીધા છે. એવી ફરિયાદ કરવામાં આવી હતી કે અતુલ સાવેએ અમને વિશ્ર્વાસમાં લીધા વિના તાંડા કોલોની માટેના કામોને મંજૂરી આપી હતી. આ પછી કાર્યવાહી કરવામાં આવી છે.

આપણ વાંચો: ઔરંગઝેબની કબર મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે આપ્યું નવું નિવેદન, કબર સંરક્ષિત પણ…

દરમિયાન, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારની રચનાને ચાર મહિના થઈ ગયા છે. આ ચાર મહિનામાં ઘણી ઘટનાઓ બની છે.

શરૂઆતમાં બહુમતી મેળવવા છતાં, મુખ્ય પ્રધાનપદ અંગેનો વિવાદ ઉકેલાયો ન હોવાથી સરકારની રચનામાં વિલંબ થયો. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો મુખ્ય પ્રધાનપદ પર દાવો હતો, પરંતુ ભાજપ પણ મુખ્ય પ્રધાનપદ માટે આગ્રહી હોવાથી, એકનાથ શિંદેને આખરે દાવો છોડવો પડ્યો હતો.

આ પછી, મહાયુતિની અંદર બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ જોવા મળી હતી. એકનાથ શિંદે ગૃહ મંત્રાલય ઇચ્છતા હતા. પણ તે ખાતું પણ ભાજપ પાસે ગયું. આ પછી, પાલક પ્રધાનપદ માટે ખેંચતાણ જોવા મળી હતી. નાશિક અને રાયગઢ જિલ્લાના પાલક પ્રધાનો હજુ સુધી નક્કી થયા નથી.

તેથી, મહાયુતિમાં અસંતોષ અથવા મતભેદના સતત અહેવાલો આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા, એવા અહેવાલ આવ્યા હતા કે દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે દ્વારા મંજૂર કરાયેલા આરોગ્ય વિભાગના 3200 કરોડ રૂપિયાના કામોને સ્થગિત કરી દીધા છે. આ પછી, હવે માહિતી બહાર આવી રહી છે કે મુખ્ય પ્રધાને અતુલ સાવે દ્વારા મંજૂર કરાયેલા કામોને સ્થગિત કરી દીધા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button