મહારાષ્ટ્રમાં માઈક્રોસોફ્ટના મંડાણઃ પુણેમાં 520 કરોડમાં ખરીદી 16 એકર જમીન

પુણે: પુણે શહેર દેશના માહિતી અને ટેકનિકલ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ શહેર બની ગયું છે. પુણે શહેરમાં અનેક ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીની કંપનીઓ છે. વિશ્વની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે પુણે શહેરમાં ફરી સોદો કરી શહેરના હિંજેવાડી વિસ્તારમાં 16.4 એકર જમીન 520 કરોડમાં હસ્તગત કરી છે.
આ જમીન ઇન્ડો ગ્લોબલ ઇન્ફોટેક સિટી એલએલપી દ્વારા માઇક્રોસોફ્ટને વેચવામાં આવી હોવાની જાણકારી મળી છે. છેલ્લા ત્રણ વર્ષમાં માઇક્રોસોફ્ટે કુલ 848 કરોડ રૂપિયાની જમીન ખરીદી છે. આ પહેલા 2022માં પુણેના પિંપરી ચિંચવડમાં 25 એકર જમીન 328 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.
આ પણ વાંચો : સાવધાન ! Google અને માઇક્રોસોફ્ટના ત્રણ લાખ યુઝર્સ પર તોળાતો ખતરો ,બેંક એકાઉન્ટ ખાલી થવાનો ડર
તે સમયે માઇક્રોસોફ્ટે આ જમીન ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી હસ્તગત કરી હતી. અલબત્ત અહીં શું કરવામાં આવશે એની કોઈ વિગત હજી માઈક્રોસોફ્ટ કંપની દ્વારા નથી આપવામાં આવી. પુણેના હિંજેવાડીમાં હસ્તગત કરેલી જમીનનો સોદો ઓગસ્ટમાં કરવામાં આવ્યો હતો.. તેના માટે 31.18 કરોડ રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે. આ રજિસ્ટ્રેશન 6 સપ્ટેમ્બરે થયું હતું.
2024ની શરૂઆતમાં માઇક્રોસોફ્ટના હેડ ઓફ ઇન્ડિયા કૌશલ પહલે કહ્યું હતું કે તેમનું લક્ષ્ય 2025 સુધીમાં 20 લાખ લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ કૌશલ્ય શીખવવાનું છે. પુણે ઉપરાંત માઈક્રોસોફ્ટ દ્વારા આ વર્ષના પ્રારંભમાં હૈદરાબાદમાં પણ 267 કરોડ રૂપિયામાં 48 એકર જમીન ખરીદવામાં આવી હતી.