સાવધાન ! Google અને માઇક્રોસોફ્ટના ત્રણ લાખ યુઝર્સ પર તોળાતો ખતરો ,બેંક એકાઉન્ટ ખાલી થવાનો ડર
નવી દિલ્હી : ઇન્ટરનેટ યુઝર્સ પર ફરી એકવાર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. આ ચેતવણી ગૂગલ ક્રોમ(Google) અને માઈક્રોસોફ્ટ એજના બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ માટે છે. આની મદદથી હેકર્સ તમારા કમ્પ્યુટરમાં સેવ કરેલા ગુપ્ત અને ઉપયોગી ડેટા, બેંકિંગ વિગતો અને પાસવર્ડ સરળતાથી ચોરી શકે છે. સાયબર સિક્યોરિટી કંપની રીઝનલેબ્સના રિપોર્ટ અનુસાર, માલવેર ધરાવતા આ બ્રાઉઝર એક્સટેન્શન વર્ષ 2021થી યુઝર્સને શિકાર બનાવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી દુનિયાભરમાં ઓછામાં ઓછા 3 લાખ ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ યુઝર્સ તેનાથી પ્રભાવિત થયા છે.
તે કેમ ખતરનાક છે?
આ માલવેર એક્સ્ટેન્શન્સને ખતરનાક હોવાનું જાણવા મળ્યું છે. આ રિપોર્ટ અનુસાર આ એક્સટેન્શન નાના સોફ્ટવેર પ્રોગ્રામ છે. જે યુઝર્સના બ્રાઉઝિંગ અનુભવને બહેતર બનાવવાનું કામ કરે છે. હેકર્સના માલવેર એક્સ્ટેંશન વાસ્તવિક ટૂલ્સ જેવા દેખાય છે અને વપરાશકર્તાઓ તેને કોઇપણ વિચાર કર્યા વિના ઇન્સ્ટોલ કરે છે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી આ એક્સ્ટેન્શન્સ હેકર્સને સિસ્ટમમાં પાસવર્ડ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને બેંક વિગતો સહિત ગુપ્ત અને ઉપયોગી ડેટાનો ઍક્સેસ આપે છે.
માલવર્ટાઈઝિંગ યુક્તિનો ઉપયોગ
જેમાં ચિંતાનો વિષય એ છે કે એક્સ્ટેંશન ડિલીટ કર્યા પછી પણ માલવેર કોમ્પ્યુટરમાં છુપાયેલો રહે છે અને સિસ્ટમ ઓન થતાની સાથે જ એક્ટીવેટ થઈ જાય છે. હેકર્સ આ માલવેર એક્સ્ટેંશન સાથે વપરાશકર્તાઓને ફસાવવા માટે માલવર્ટાઈઝિંગ યુક્તિનો ઉપયોગ કરે છે.