આચરણ માટે ઠપકો મળતાં મેડિકલ સ્ટુડન્ટનો આપઘાતનો પ્રયાસ | મુંબઈ સમાચાર

આચરણ માટે ઠપકો મળતાં મેડિકલ સ્ટુડન્ટનો આપઘાતનો પ્રયાસ

ગોંદિયા: ગોંદિયા જિલ્લાની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ (જીએમસીએચ)ના એક ડૉક્ટર દ્વારા આચરણ માટે કથિત ઠપકો આપવામાં આવ્યા બાદ મેડિકલના સ્ટુડન્ટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ રવિવારે બનેલી આ ઘટનાની તપાસ માટે જીએમસીએચે એક કમિટી નીમી હતી.

જીએમસીએચના અધિકારીએ જણાવ્યું હતું કે રાજસ્થાનના વતની અને ત્રીજા વર્ષના વિદ્યાર્થી અવેશ કુમારે શનિવારની મધરાત બાદ બે વાગ્યાની આસપાસ ભાડેના ઘરમાં સીલિંગ ફૅન સાથે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મિત્રોએ તેને બચાવી લીધો હતો.

આપણ વાંચો: મેડિકલ કૉલેજમાં પ્રવેશને નામે બે જણ સાથે 77.61 લાખની છેતરપિંડી: છ સામે ગુનો

કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. પ્રશાંત બાગડેએ કુમારને તેની વર્તણૂક અને હાજરીને લઈ કથિત ઠપકો આપ્યો હતો. આ બાબતને લઈ કુમાર હતાશ થઈ ગયો હતો.

સુસાઈડ નોટમાં કુમારે નોંધ્યું હતું કે ડૉ. બાગડેએ તેની માતા માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને આ અપમાન તે સહન કરી શક્યો નહોતો.

આપણ વાંચો: પુત્રને મેડિકલ કૉલેજમાં પ્રવેશ અપાવવાને નામે પિતા પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

અધિકારીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીએ આત્મહત્યાના પ્રયાસ અગાઉ વૉટ્સઍપ પર પોસ્ટ શૅર કરી હતી. પોસ્ટ જોઈને સતર્ક થઈ ગયેલા મિત્રોએ અન્ય વિદ્યાર્થીઓની મદદથી રૂમનો દરવાજો તોડ્યો હતો અને કુમારને બચાવી લીધો હતો.

જીએમસીએચના ડીન ડૉ. કુસુમાકર ઘોરપડેએ જણાવ્યું હતું કે ત્રણ સભ્યની કમિટી બુધવારે તપાસનો અહેવાલ રજૂ કરશે. પછી વધુ પગલાં માટે તે અહેવાલ ડિરેક્ટર ઑફ મેડિકલ એજ્યુકેશનને મોકલવામાં આવશે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button