આમચી મુંબઈમહારાષ્ટ્ર

રૂમમેટ્સના ત્રાસથી કંટાળી એમબીબીએસના વિદ્યાર્થીનો કૉલેજ હોસ્ટેલમાં આપઘાત

થાણે: ત્રણ રૂમમેટ્સ દ્વારા રૅગિંગ અને કથિત ત્રાસથી કંટાળીને ખાનગી મેડિકલ કૉલેજના 19 વર્ષના વિદ્યાર્થીએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના રાયગડ જિલ્લાના કર્જત સ્થિત હોસ્ટેલમાં બની હતી.

મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે કર્જત પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 306 અને અન્ય સુસંગત કલમો હેઠળ ત્રણ વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે તપાસ કરવામાં આવી રહી હોવાથી રવિવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી, એમ કર્જત પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ હર્ષલ મહાલે તરીકે થઈ હતી. એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મહાલેએ પહેલી ડિસેમ્બરની સાંજે સાત વાગ્યાની આસપાસ હોસ્ટેલ રૂમમાં સીલિંગ સાથે ગળાફાંસો ખાધો હતો. ઘટનાના બે દિવસ પછી મૃતકના વડીલોને સુસાઈડ નોટ મળી હતી. એ સિવાય રૂમમાંથી વિદ્યાર્થીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ પ્રકરણે વિદ્યાર્થીના વાલીઓએ ચોથી ડિસેમ્બરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

સુસાઈડ નોટમાં મહાલેએ આક્ષેપ કર્યો હતો કે તેના ત્રણ રૂમમેટ્સ દ્વારા માનસિક ત્રાસ આપવાની સાથે તેને ટોર્ચર કરવામાં આવતો હતો. વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવાની માગણી વાલીઓએ કરી હતી. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button