એમબીએના વિદ્યાર્થીએ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં રૂ. 23 લાખ ગુમાવ્યા

નાગપુર: નાગપુરની કોલેજમાં એમબીએનો કોર્સ કરી રહેલા 28 વર્ષના વિદ્યાર્થીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી રૂ. 23 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આરોપીએ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સ્વાંગમાં 17 નવેમ્બર, 2023ના રોજ ટેલિગ્રામ મેસેજિંગ પ્લેટફોર્મ થકી વિદ્યાર્થીનો સંપર્ક સાધ્યો હતો.
વાથોડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી પશ્ર્ચિમ બંગાળના હુગલીનો વતની હોઇ તેને ક્રિપ્ટોકરન્સી સ્કીમમાં રોકાણ પર સારા વળતરની લાલચ અપાઇ હતી.
આપણ વાંચો: ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષના ચોરીના 50 ટકા કેસ ઉકેલવા અસમર્થ, 50 હજાર કેસ વણઉકેલ્યા
દરમિયાન આરોપીના કહેવાથી વિદ્યાર્થીએ રૂ. એક હજાર બેન્ક એકાઉન્ટમાં ડિપોઝિટ કર્યા હતા અને તેના બદલામાં તેને રૂ. 1,400 મળ્યા હતા.
બાદમાં વિદ્યાર્થીએ નફો મેળવવાની આશાએ રૂ. 23 લાખ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા, પણ તેને કોઇ વળતર મળ્યું નહોતું. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં વિદ્યાથીએ પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. વાથોડા પોલીસે મંગળવારે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



