મૃત પ્રેમીની લાશ સાથે લગ્ન! નાંદેડમાં જાતિભેદની જ્વાળામાં હોમાઈ પ્રેમકહાણી- ધર્મ બદલવાની તૈયારી બતાવી, છતાં પરિવારે ગોળી મારી

નાંદેડ: મહારાષ્ટ્રના નાંદેડમાં પ્રેમ પ્રકરણમાં દલિત યુવકની હત્યાનો મુદ્દો ચર્ચામાં છે. નાંદેડના જૂના ગંજ વિસ્તારમાં આ હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં પોલીસે આપેલી વિગતો અનુસાર એક પરિવારે પોતાની દીકરીના પ્રેમ સબંધના વિરોધમાં તેના પ્રેમી 20 વર્ષીય યુવકનું હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ૨૧ વર્ષીય આંચલ મામિદવાર નામની યુવતીએ તેના ૨૦ વર્ષીય મૃતક પ્રેમી સક્ષમ તાટેના મૃતદેહને પીઠી ચોળી અને કુમકુમ લગાવીને લગ્ન કર્યા હતા. આથી આ બનાવ વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યુવતીએ ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હતું કે ઇતવારા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ તેના ભાઈને સક્ષમની હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો.

મળતી વિગતો અનુસાર, 20 વર્ષીય યુવક સક્ષમ તાટે અને ૨૧ વર્ષીય આંચલ મામિદવાર બંને છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. પરંતુ યુવતી આંચલનો પરિવાર તેના આ પ્રેમ સબંધના વિરોધમાં હતો કારણ કે બંને અલગ અલગ જાતિના હતા. યુવક દલિત સમુદાયમાંથી હતો.
યુવતીએ પ્રેમીના ઘરે જ રહેવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યું હતું કે ‘મારો પ્રેમી મરીને પણ જીતી ગયો છે અને મારા માબાપ તેને મારીને પણ હારી ગયા છે. યુવતીએ કહ્યું હતું કે સક્ષમ બીજી જાતિનો હોવાથી મારો પરિવાર તેનો વિરોધ કરી રહ્યો હતો અને મારા પરિવાર તરફથી સક્ષમને ધમકીઓ આપવામાં આવતી હતી. યુવતીએ જણાવ્યું હતું કે અમારી બંનેની જાતિ અલગ હોવાથી પરિવારે આ પ્રેમ સબંધનો વિરોધ કરતો હતો આથી સક્ષમ ધર્મ બદલવા પણ તૈયાર થઈ ગયો હતો.
અહેવાલો અનુસાર, ગુરુવારના રોજ આંચલના પરિવારના સભ્યો દ્વારા યુવક સક્ષમને પહેલા ગોળી મારી અને પછી અન્ય રીતે વાર કરીને તેની હત્યા કરી નાખી હતી. જો કે મૃતક અને આરોપી બંનેનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે, મૃતક સક્ષમ પણ થોડા સમય પહેલા જ જેલમાંથી છૂટયો હતો. સક્ષમની હત્યાના આરોપસર આંચલના પિતા ગજાનંદ મામિદવાર (૪૫) અને તેના બે ભાઈઓ હિમેશ અને સાહિલ (૨૫)ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે બંને પરિવારો વચ્ચેના સંબંધોનો વિરોધ અને યુગલના સંબંધો સમાપ્ત કરવાનો ઇનકાર જ અંતે આ હત્યાનું કારણ બન્યું હતું. આંચલે તેના પિતા અને ભાઈઓ પર લાંબા સમયથી સક્ષમને ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો હતો અને માંગ કરી હતી કે હત્યારાઓને ફાંસી થવી જોઈએ. આ કેસમાં હત્યા, ગેરકાયદેસર સભા, હુલ્લડ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કુલ છ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને ધરપકડ કરાયેલા આરોપીઓને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરુ, ભાજપ-શિંદે જૂથ વચ્ચે રસપ્રદ મુકાબલો:



