મહારાષ્ટ્ર

મરાઠવાડામાં નદી કિનારેના ગામોને તાકીદની સ્થિતિમાં જાણકારી આપવા પોલીસે ડ્રોનની કરી માગણી

છત્રપતિ સંભાજીનગર: ચોમાસુ નજીકમાં છે ત્યારે નદીઓમાં આવતા પૂર વિશે ગામવાસીઓને આગોતરી જાણકારી આપવા માટે મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડા વિભાગમાં પોલીસે ડ્રોનની માગણી કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મરાઠવાડા રિજનમાં ગોદાવરી, પૂર્ણા, દુધના, પેણગંગા, મંજારા તેમ જ તેરના નદીઓ છે અને આ રિજનમાં છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, હિંગોલી, નાંદેડ, બીડ, લાતુર અને ધારાશિવ એમ આઠ જિલ્લાઓનો સમાવેશ છે.

આ રિજનમાંના અનેક ગામોમાં 2005થી છાશવારે પૂર આવ્યાં છે. આથી આવી આપત્તિ દરમિયાન લોકોની સલામતી સુનિશ્ર્ચિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગ આ દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીનો સભ્ય પણ છે.

આપણ વાંચો: પર્યાવરણ ને આબોહવાની કટોકટી માનવ હતાશામાં ફેરવાઈ રહી છે

કટોકટી અથવા પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન પોલીસને ગામોમાં પહોંચીને ખતરા વિશે માહિતી આપવા માટે જાહેર ઘોષણા કરવી પડે છે. અમુક ગામોમાં દાવંડી (ઢોલ વગાડીને કરાતી વિશેષ ઘોષણા)નો પણ ઉપયોગ કરવામાં આવે છે.

પોલીસ વિભાગ હવે ટેક્નોલોજી અપનાવવા અને આવી ઘોષણાઓને વધુ કાર્યક્ષમ રીતે કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવા માગે છે, એમ ડ્રોનની માગણી કરવા પાછળનું કારણ સમજાવતા પોલીસે જણાવ્યું હતું.

ચોમાસામાં અમુક વખત પૂર અથવા અન્ય આપત્તિ વિશે ગામોમાં પહોંચવાનું અને લોકોને સતર્ક કરવાનું મુશ્કેલ અને સમય માગી લેનારું હોય છે. આથી પોલીસ હવે જાહેર ઘોષણા કરવા ડ્રોનની મદદ લેવા માગે છે, એમ ડિવિઝનલ કમિશનર દિલીપ ગાવડેએ કહ્યું હતું.

નાંદેડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અબિનાશ કુમારે જણાવ્યું હતું કે તેઓ જિલ્લા નિયોજન સમિતિ થકી ડ્રોન પ્રાપ્ત કરવા માગે છે. જો તેને મંજૂરી મળી જાય તો નદીઓ પાસેના વિસ્તારમાં તે ઉપયોગમાં લેવાશે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button