Maratha reservation: મરાઠવાડા ધ્રુજી ઉઠ્યું: મરાઠા અનામત મુદ્દે એક જ દિવસમાં ત્રણ યુવાનોએ કરી આત્મહત્યા
છત્રપતિ સંભાજીનગર: મરાઠા અનામતનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ મુદ્દે આખા રાજ્યમાં આંદોલનો થઇ રહ્યાં છે. ત્યારે છેલ્લાં કેટલાંય દિવસોથી મરાઠા અનામતની માંગણી સાથે કેટલાંક લોકોએ અંતિમ નિર્ણય લઇ આત્મહત્યા કરી છે. ત્યારે હાલમાં જ મરાઠવાડામાં એક જ દિવસે ત્રણ .યુવાનોએ મરાઠા અનામત માટે આત્મહત્યા કરી હોવાની વિગતો જાણવા મળી છે. જાલનાના અંતરવાલી ટેંભી ગામના શીવાજી કિસન માને (45), છત્રપતિ સંભાજીનગર તાલુકાના આપતગામના ગણેશ કાકાસાહેબ કુબેર (28) અને હિંગોલી જિલ્લાના કળમુરી તાલુકાના દેવજના લહૂ ઉર્ફે કૃષ્ણા યશવંતરાવ કલ્યાણકર (25) આ ત્રણે યુવાનોએ અંતિમ પગલું ભર્યું છે.
જાલનાના અંતરવાલી ટેંભી ગામમાં ચાલી રહેલ ભૂખ હડતાલમાં ભાગ લેનાર મરાઠા યુવકે આત્મહત્યા કરી છે. આંદોલન ચાલી રહ્યું હતું તે દરમીયાન જ મંડપમાંથી નીકળીને તે ઘરે ગયો હતો અને ત્યાં છત સાથે દોરડા વડે ગળેફાંસો ખાંઇને આ યુવકે આત્મહત્યા કરી હતી. આ યુવકનું નામ શિવાજી કિસન માને છે. સરકારે સમય આપ્યો હોવા છતાં અનામત મળી રહ્યું નથી જેને કારણે તે બાળકોને ભણાવી શકતો નથી. આવી નિરાશાને કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું તેના નજીકના સગાએ જણાવ્યું હતું. આ ઘટના ગુરુવારે સવારે અંતરવાલી ટેંભીમાં બની હતી.
છત્રપતિ સંભાજીનગરના આપતગામમાં એક મરાઠા યુવાને ગુરુવારે બપોરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. ગણેશ કાકાસાહેબ કુબેર આ યુવકનું નામ છે. ઉપરાંત જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી મારી અંતિમ ક્રિયા ના કરતાં એવું લખાણ તેણે મરતાં પહેલાં સ્લેટ પર લખ્યું હતું. તેના પરિવારમાં પત્ની, બે બાળકો (છ અને ચાર વર્ષના), માતા-પિતા અને ભાઇ સાત લોકો રહે છે. તેમની બે એકરની ખેતીમાંથી જે પણ કમાણી થતી તેનાથી તેનું ઘર ચાલી રહ્યું હતું. આ ઘટના બાદ ગામલોકો આક્રમક થયા હતાં. અને ધુલે સોલાપૂર રાષ્ટ્રિય મહામાર્ગ પર આવેલ આપતગાવ ફાટાપર રસ્તા રોકો આંદોલન કરી ટાયર બાળવામાં આવ્યા હતાં.
મરાઠા અનામત મળી નથી રહ્યું તેથી હું આત્મહત્યા કરી રહ્યો છું. એવી એક ચિઠ્ઠી ખીસામાં મૂકી ખેતરમાં જઇ એક યુવકે ઝાડસાથે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો બનાવ હિંગોલીના કળમનુરી તાલુકાના દેવજનામાં ગુરુવારે સવારે બની હતી. મૃત્યુ પામનાર યુવકનું નામ લહૂ ઉર્ફે કૃષ્ણા યશવંતરાવ કલ્યાણકર છે.