Maratha Reservation: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન પર જરાંગેએ લગાવ્યો ગંભીર આરોપ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને મરાઠા સમાજને સરકારી નોકરી અને શિક્ષણમાં દસ ટકાનું અનામત (Maratha Reservation) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં મરાઠા અનામત માટેના ચળવળકાર મનોજ જરાંગેનું આંદોલન પત્યું નથી. જોકે, રવિવારે જરાંગેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસ ઉપર ગંભીર આરોપ લગાવીને ખળભળાટ મચાવ્યો હતો. પોતાને જીવે મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું જણાવી જરાંગેએ ફડણવીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતો.
હવે આ આંદોલન ખરેખર મરાઠા અનામત માટે શરૂ કરાયું છે કે પછી તેની પાછળ કોઇ છૂપો રાજકીય હેતુ છે તેવી ચર્ચા થઇ રહી છે અને ભાજપ દ્વારા પણ એવા જ આરોપ થઇ રહ્યા છે. અનામત આપવામાં આવ્યું હોવા છતાં આંદોલન પૂરું કેમ નથી થઇ રહ્યું અને શું આ આંદોલન પાછળ કોઇ ગેબી હાથ કામ કરી રહ્યો છે કે શું, તેવો આરોપ ભાજપ નેતાઓ દ્વારા મૂકવામાં આવી રહ્યો છે.
જરાંગેએ મહારાષ્ટ્રમાંથી મરાઠા સમાજને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે ફડણવીસ મને મારી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભૂખ હડતાળ ઉપર હતા ત્યારે તેમને મારી નાંખવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ કરતા જરાંગેએ કહ્યું હતું કે મારા સલાઇનમાં ઝેર ભેળવીને મને મારી નાંખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેના કારણે બે દિવસથી મેં સલાઇન ચઢાવવાનું પણ બંધ કરી દીધું છે.
જરાંગેએ પોતાને મારી નાંખવાનું કાવતરું રચાયું હોવાનો આરોપ કરતા નાયબ મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસના સત્તાવાર એવા સાગર બંગલા ખાતે જવા રવાના થયા હતા. હું સાગર બંગલા ઉપર આવી રહ્યો છું, મારી બલિ ચઢાવી લેજો, એમ કહેતા જરાંગે મુંબઈ આવવા રવાના થયા હતા.
ભાજપે આપી પ્રતિક્રિયા
વિરોધ પક્ષો દ્વારા પણ મનોજ જરાંગે ઉપર જોરદાર પ્રહારો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર તેમ જ વિધાનસભ્ય નિતેશ રાણેએ જરાંગે ઉપર આરોપ મૂકતા કહ્યું હતું કે જરાંગે જે આંદોલન કરી રહ્યા છે તેની પાછળ તેમનો હેતુ શું છે? તેઓ શેની માટે લડત ચલાવી રહ્યા છે તે સ્પષ્ટ નથી થઇ રહ્યું. જરાંગેએ અમારા નેતૃત્વ વિશે કોઇ ટીપ્પણી ન કરવી, એવી ચેતવણી રાણેએ ઉચ્ચારી હતી. જ્યારે ભૂતપૂર્વ વિધાનસભ્ય આશિષ દેશમુખે જરાંગેએ પોતાની જીદ છોડી દેવાનું કહ્યું હતું.
બીજી બાજુ મુંબઈના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે કહ્યું હતું કે જરાંગે શેની માટે આંદોલન કરી રહ્યા છે તે હવે સ્પષ્ટ થઇ ગયું છે. તેઓ શરદ પવારની ભાષા બોલી રહ્યા હોવાનું દેખાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અજય બારસકર અને સંગીતા વાનખેડે જેવા જરાંગેના એક સમયના સાથીદારોએ પણ શરદ પવાર આંદોલન માટે પૈસા પૂરા પાડતા હોવા જેવા ગંભીર આરોપ જરાંગે ઉપર મૂકી ચૂક્યા છે. દરમિયાન જરાંગેએ લગાવેલા ગંભીર આરોપો વિશે પ્રતિક્રિયા આપતા દેવેન્દ્ર ફડણવીસ કહ્યું હતું કે જરાંગે શું બોલ્યા છે તેની મને જાણ નથી. હું તેમણે આપેલા નિવેદન સાંભળ્યા બાદ એ વિશે જણાવીશ.