મરાઠા લેન્ડસ્કેપ્સને નામાંકિત કરાવવું સરળ નહોતું એટલે વિજય વધુ મધુર લાગ્યો: યુનેસ્કોમાં ભારતના રાજદૂત

નવી દિલ્હી: ભારતને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ‘મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ’ના નામ અંકિત કરાવવામાં ‘મુલતવી’ની ભલામણ સહિતના વિવિધ પડકારોનો સામનો કરવામાં એક વિશાળ ડોઝિયર, એક સમર્પિત કોફી-ટેબલ બુક અને ઉત્સાહી ઝુંબેશની મદદ મળી હતી.
શુક્રવારે, પેરિસમાં આયોજિત તેના 47મા સત્રમાં વર્લ્ડ હેરિટેજ કમિટી (ડબ્લ્યુએચસી) એ ભારતના શ્રેણીબદ્ધ નોમિનેશનને પ્રખ્યાત વારસાની યાદીમાં અંકિત કર્યા હતા, જે મરાઠા શાસકોની અસાધારણ કિલ્લેબંધી અને લશ્કરી વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે.
ટીમ ઇન્ડિયા માટે નોમિનેશનથી વૈશ્વિક વારસાની યાદીમાં સ્થાન મેળવવા સુધીની સફર સરળ ન હતી, પરંતુ સતત પ્રયાસોથી યુનેસ્કોમાં શાનદાર વિજય મળ્યો હતો.
આ પણ વાંચો: ફડણવીસ, પર્વતારોહકોએ શિવાજી મહારાજના કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાનનું સ્વાગત કર્યું
યુનેસ્કોમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ, વિશાલ વી. શર્માએ વારસાની યાદીમાં સ્થાન મળ્યાનીૂ જાહેરાત થયા પછી નવી દિલ્હી વતી નિવેદન આપ્યું હતું.
‘આ એક ઐતિહાસિક દિવસ છે, ફક્ત ભારત માટે જ નહીં, પરંતુ ખાસ કરીને સમગ્ર વિશ્ર્વના મરાઠી લોકો માટે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા મરાઠાઓના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને તેના ઉત્કૃષ્ટ સાર્વત્રિક મૂલ્યની માન્યતા દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે,’ એમ તેમણે કહ્યું હતું.
પેરિસમાં યુનેસ્કોના મુખ્યાલયમાં ટિપ્પણી કર્યા પછી તરત જ એક ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં શર્માએ ભારતની સફળતાની વાર્તા અને પ્રતિષ્ઠિત માન્યતા મેળવવા માટે શું કરવું પડ્યું તે શેર કર્યું હતું.
આ પણ વાંચો: ભારતીયો માટે ગર્વની ક્ષણ: ભગવદ ગીતા અને નાટ્યશાસ્ત્રનો યુનેસ્કોની આ યાદીમાં સામેલ
‘અમારા તરફથી ઉત્તમ ટીમવર્ક હતું, પરંતુ મરાઠાના લશ્કરી લેન્ડસ્કેપ્સને અંકિત કરાવવું સરળ નહોતું,’ એમ તેમણે જણાવ્યું હતું.
‘હું મહારાષ્ટ્ર સરકાર, ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) અને વિદેશ મંત્રાલયનો આભાર માનું છું. અમારે 20 વિવિધ દેશો સાથે સંકલન કરવું પડ્યું હતું અને તે ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ છે,’ એમ શર્માએ ફોન પર પીટીઆઈને જણાવ્યું હતું.
શર્માએ કહ્યું હતું કે ભારતીય નામાંકનને સલાહકાર સંસ્થા, આઈસીઓએમઓએસ દ્વારા ‘મુલતવી રાખવાની ભલામણ’ મળી હતી. મુલતવી રાખવાની ભલામણનો અર્થ એવો થાય છે કે સલાહકાર સંસ્થા તેનું સ્થાન અંકિત કરવા માગતી નથી.
પેરિસ સ્થિત ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઈટ્સ (આઈસીઓએમઓએસ) યુનેસ્કોની મુખ્ય સલાહકાર સંસ્થાઓમાંની એક છે, અને તેના નિષ્ણાતો નામાંકિત સ્થળોની મુલાકાત લે છે.
આ પણ વાંચો: શિવાજી મહારાજના કિલ્લાઓ માટે ‘યુનેસ્કો હેરિટેજ ટેગ’ આપવા મહારાષ્ટ્રનું પ્રતિનિધિમંડળ પેરિસ પહોંચ્યું…
તેમણે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ ‘સલાહકાર સંસ્થાની ભૂલો, તથ્ય સંદર્ભેની ક્ષતિઓ તરફ ધ્યાન દોર્યું હતું’
‘આ કોર્ટમાં લડવામાં આવે તેવી જ એક તકનીકી દલીલની પ્રક્રિયા હોય છે, 20 દેશોના સભ્યો સાથે વિડિઓ કોન્ફરન્સ પર. અમે તેમને તકનીકી બાબતો અને તે શા માટે આ સ્થળો વર્લ્ડ હેરિટેજ સૂચિમાં હોવાને લાયક છે તે સમજાવ્યું હતું. અમે અમારો કેસ રજૂ કર્યો અને અમે કેસ જીતી ગયા, તેથી જ વિજય વધુ મીઠો લાગે છે,’ એમ શર્માએ કહ્યું હતું.
આ દરખાસ્ત જાન્યુઆરી 2024માં ડબ્લ્યુએચસીને મોકલવામાં આવી હતી, અને તેના પર મહોર ‘કઠોર 18-મહિના લાંબી પ્રક્રિયા’ પછી લાગી છે જેમાં સલાહકાર સંસ્થાઓ સાથે ઘણી તકનીકી બેઠકો અને આઈસીઓએમઓએસ મિશન દ્વારા સ્થળોની સમીક્ષા કરવા માટેની મુલાકાતનો સમાવેશ થાય છે, એમ સાંસ્કૃતિક મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
યુનેસ્કો ટેગ માટે નામાંકન 2024-25ની સાયકલ માટે હતું.
‘મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સ’ 17મી અને 19મી સદી વચ્ચે વિકસાવવામાં આવ્યા હતા.
વૈશ્વિક વારસો જાહેર કરવામાં આવેલા 12 ગઢ-કિલ્લામાં સાલ્હેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, ખાંડેરી કિલ્લો, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજય દુર્ગ, મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગ અને તમિલનાડુમાં જીંજી કિલ્લાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: આસામનું ‘મોઇદમ’ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ, શું કહ્યું જાણો સીએમે?
ભારતીય અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે, વિવિધ ભૌગોલિક અને ભૌતિક પ્રદેશોમાં વિતરિત આ ઘટકો મરાઠા શાસનની વ્યૂહાત્મક લશ્કરી શક્તિઓનું પ્રદર્શન કરે છે.
મહારાષ્ટ્રમાં 390 થી વધુ કિલ્લાઓ છે, જેમાંથી ફક્ત 12ને ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સ હેઠળ પસંદ કરવામાં આવ્યા હતા; આમાંથી, આઠ કિલ્લાઓ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા સુરક્ષિત છે, એમ મંત્રાલયે અગાઉ જણાવ્યું હતું.
શર્માએ કહ્યું કે સલાહકાર સંસ્થા ‘મુખ્યત્વે એ બાબતે ચિંતિત’ હતી કે પસંદગી માટેના માપદંડ શું છે, અને વધુ કિલ્લાઓ કેમ નથથી પસંદ કરાયા.
‘પછી અમારે એ વાતને વાજબી ઠેરવવી પડી કે પ્રાથમિક, ગૌણ અને તૃતીય કિલ્લાઓનો એક વંશવેલો હતો. અને આ 12 મુખ્ય કિલ્લાઓ હતા અને પછી અમે અન્ય વિવિધ સભ્ય રાજ્યોને સમજાવ્યું હતું,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: ગરબાને યુનેસ્કોમાં સાંસ્કૃતિક વારસાનું સ્થાન મળ્યું
યુનેસ્કોમાં ભારતીય રાજદૂતે એમ પણ કહ્યું કે, રાજસ્થાનના કિલ્લાઓની સરખામણીમાં ભારતના પશ્ર્ચિમ અને દક્ષિણ ભાગોમાં કિલ્લાઓ વિશે ‘વધુ જાગૃતિ નથી.’ તેથી, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર પર્યટનને પણ પ્રોત્સાહન આપવા માટે આ તક ઝડપી લીધી હતી.
છત્રપતિ શિવાજી મહારાજની શાહી મહોર ‘રાજ મુદ્રા’ મરાઠાઓની ફિલસૂફી – લોકોની સુખાકારી સમજાવવા માટે પ્રસારિત કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં, મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સ’ નામનું એક કોફી-ટેબલ પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું હતું અને તેમને પ્રસારિત કરવામાં આવ્યું હતું, એમ શર્માએ કહ્યું હતું.
નોમિનેશન મોકલ્યા પછી મહારાષ્ટ્ર સરકારને 61-મુદ્દાની કાર્ય યોજના આપી હતી, અને તેમાંથી એક ગામડાઓમાં શાળાના બાળકો માટે જાગૃતિ લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવાનો હતો, અને તે યોજાઈ હતી. બીજું કોફી-ટેબલ બુક હતું.