માલેગાંવ બ્લાસ્ટ કેસ: દોષમુક્તિના આદેશ સામે કોઈ પણ આવીને અપીલ ન કરી શકે: કોર્ટ

મુંબઈ: માલેગાંવના 2008ના બ્લાસ્ટ કેસમાં દોષમુક્ત આરોપીઓ સામે અપીલ કરવા માટે કોઈ પણ આવે તો તેના માટે કોર્ટના દરવાજા ખુલ્લા નથી, એવું કહીને બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે ખટલા દરમિયાન મૃતકોના પરિવારના સભ્યોની સાક્ષી તરીકે ઊલટતપાસ થઈ હતી કે કેમ તે અંગે વિગતો માગી હતી.
ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ આંખડની ખંડપીઠ સમક્ષ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા છ જણના પરિવારના સભ્યો દ્વારા કરાયેલી આરોપીઓના દોષમુક્તના ચુકાદા વિરુદ્ધની અપીલ સુનાવણી માટે આવી હતી. આ કેસમાં ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત આરોપીને દોષમુક્ત કરતા વિશેષ અદાલતના ચુકાદાને પડકારતી અપીલ હાઈ કોર્ટમાં કરાઈ હતી.
હાઈ કોર્ટે ખટલા દરમિયાન પરિવારના સભ્યોની સાક્ષીદાર તરીકે ઊલટતપાસ કરાઈ હતી કે કેમ તે જાણવા માગ્યું હતું.
પરિવારના સભ્યોના વકીલે ખંડપીઠને કહ્યું હતું કે પ્રથમ અરજદાર નિસાર અહમદનો પુત્ર બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો હતો. તે ખટલામાં સાક્ષી નથી, પરંતુ બુધવારે તે વિગતો રજૂ કરશે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: મુંબઈ પછી માલેગાંવ: એનઆઈએ શું કામની?
બાદમાં ખંડપીઠે કહ્યું હતું કે જો અરજદારનો પુત્ર ધડાકામાં મૃત્યુ પામ્યો હોય તો નિસાર અહમદ સાક્ષીદાર હોવો જોઈતો હતો.
‘અરજદારો સાક્ષીદાર હતા કે નહીં તે જણાવવું જોઈએ. અમને વિગતો આપો. આમ કોઈ પણ આવીને અપીલ ન કરી શકે.’ એવું હાઈ કોર્ટે જણાવ્યું હતું. આ મામલે કોર્ટે વધુ સુનાવણી બુધવાર પર રાખી હતી.
ગયા સપ્તાહે કરાયેલી અપીલમાં દાવો કરાયો હતો કે ભૂલભરી તપાસ અથવા તપાસમાં અમુક ખામીઓ આરોપીઓના છુટકારા માટે પૂરતું કારણ ન હોઈ શકે. બ્લાસ્ટનું કાવતરું ગુપ્ત રીતે ઘડાયું હતું અને તેથી તેનો સીધો પુરાવો ન હોઈ શકે, એવું પણ અપીલમાં નોંધવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)