માલેગાંવ 2008 બ્લાસ્ટ કેસ: વિશેષ ન્યાયાધીશની બદલી રોકવા પીડિતો હાઇ કોર્ટ જશે

મુંબઈઃ બહુચર્ચિત માલેગાંવ 2008 બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ એનઆઈએ જજ એ. કે. લાહોટીની નાશિક ખાતે બદલી કરવામાં આવી છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિતપણે આ કેસની દૈનિક સુનાવણી કરી રહ્યા છે.
આ કેસમાં મોટા ભાગની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ચુકાદો અપેક્ષિત હતો. ત્યારે આવા સમયે જજ લાહોટીની બદલીના અચાનક આવેલા આદેશને કારણે પીડિતોમાં નારાજગી છે અને તેઓ આ નિર્ણયને અદાલતમાં પડકારવાનું વિચારી રહ્યા છે. ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ન્યાયાધીશોની બદલી કરવાના નિયમ હેઠળ જ એ. કે. લાહોટીની બદલીનો પણ આદેશ આવ્યો છે.
આ પણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઈ કોર્ટે આરોપી ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ સ્થગિત રાખ્યું…
વિશેષ ન્યાયાધીશ લાહોટીએ ફરિયાદી અને બચાવ પક્ષના વકીલોને તેમની બાકીની દલીલો 15 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવા કહ્યું હતું, જેથી આ મહિનાના અંત સુધીમાં ચુકાદો સુરક્ષિત કરી શકાય. પરંતુ બોમ્બે હાઈ કોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી કરાયેલા ટ્રાન્સફર ઓર્ડર મુજબ, આ આદેશ 9 જૂનથી લાગુ થશે, જ્યારે કોર્ટ ઉનાળાની રજાઓ પછી ફરીથી ખુલશે.
આ ટ્રાન્સફર ઓર્ડર એ પણ નિર્દેશ કરે છે કે જે ન્યાયિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેઓ (૧) જે કેસમાં સુનાવણી પૂર્ણ થઈ છે તેમાં ચુકાદો આપે અને (૨) અધૂરી સુનાવણી વાળા કિસ્સાઓમાં જલ્દીથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરે. જો કે, માલેગાંવ કેસ સાથે સંબંધિત દસ્તાવેજો અને રેકોર્ડ્સના કદને ધ્યાનમાં લેતા, એવી અપેક્ષા નથી કે ન્યાયાધીશ લાહોટી સમયસર ચુકાદો આપી શકશે. કેસ સાથે જોડાયેલા ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે આ ટ્રાન્સફરને કોર્ટમાં પડકારી શકાય.
આ પણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસઃ પ્રજ્ઞાસિંહ ઠાકુરે કોર્ટને આપ્યું આશ્વાસન
પીડિતો વતી એડવોકેટ શાહિદ નદીમે બોમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, રજિસ્ટ્રાર અને કાયદા અને ન્યાય વિભાગના સચિવને પત્ર લખીને ન્યાયાધીશ લાહોટીનો કાર્યકાળ લંબાવવાની વિનંતી કરી હતી. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે લાહોટીએ ઓગસ્ટ 2022થી આ કેસની સુનાવણી હાથ ધરી છે અને તેઓ આ જટિલ કેસની ગૂંચવણોથી તથા દરેક પાસાઓથી પરિચિત છે.
નદીમે એ પણ સ્પષ્ટતા કરી કે ‘અમે હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ. અમે કાર્યકાળ વધારવા માટે પત્ર આપી ચૂક્યા છીએ. ન્યાયમાં પહેલાથી જ ઘણો વિલંબ થયો છે, અને જો વર્તમાન ન્યાયાધીશની બદલી થશે તો તેમાં વધુ વિલંબ થશે. અમે વરિષ્ઠ વકીલોની સલાહ લીધા બાદ આગળનું પગલું નક્કી કરીશું.