મહારાષ્ટ્રમાં વરસાદથી હાહાકારઃ મહાયુતી સરકાર ભીંસમાં, પક્ષના નેતાઓ જ નારાજ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં વરસાદથી હાહાકારઃ મહાયુતી સરકાર ભીંસમાં, પક્ષના નેતાઓ જ નારાજ

મુંબઈઃ પાછોત્તરા વરસાદે દેશના ઘણા ભાગોમાં આફત સર્જી છે. મહારાષ્ટ્ર પણ આનો ભોગ બન્યું છે. રાજ્યના અનેક ભાગોમાં અતિવૃષ્ટિ અને પુરની સ્થિતિ છે તો મુંબઈ-થાણેમાં પણ વરસાદી માહોલ છે. આ સાથે વધારે ચિંતાની વાત એ છે કે હજુ આવનારા 24 કલાક ભારે વરસાદની આગાહી છે.

મુંબઈના બોરીવલી, કાંદિવલી, અંધેરી, મલાડ વગેરે વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ગઈકાલ રાતથી ઝાંપટા ચાલુ થયા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. કોંકણ અને રાયગઢમાં રવિવારે હજુ વધારે વરસાદની આગાહી છે, ત્યારે મુંબઈમાં પણ વરસાદી વાતાવરણ રહેશે, તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.

મહાયુતીમાં પણ નારાજગી

રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી કહેરને લીધે ખૂબ જ હાલાકી લોકો ભોગવી રહ્યા છે. બીડા, જાલના, ધારાશિવ, સોલાપુર, નાંદેડ, ગોંધિયા જેવા અનેક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. સંપર્ક તૂટી ગયા છે. વીજવ્યવહાર ઠપ થઈ ગયો છે.
રાજ્યમાં આવેલા આ આફતના વરસાદને લીધે રાજ્યની મહાયુતી સરકાર પણ ભીંસ અનુભવી રહી છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવી, અને ઉપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર સ્થિતિ પર નિયંત્રણ લાવવાની કોશિશ કરતા હોવા છતાં ઘણી જગ્યાએ મદદ પહોંચી નથી. આ સાથે ખેતીનુ પારાવાર નુકસાન ગયું છે. ઠેર ઠેર ખેતરો નદીમાં ફેરવાય ગયા છે. આવી સ્થિતિમાં જે તે પક્ષના વિધાનસભ્યો પર લોકોનો ગુસ્સો ફૂટી નીકળે છે.

સોલાપુરના ઉંદરગામમાં વિધાનસભ્ય સદાભાઉ ખોત જતા જ ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સરકારની નિષ્ફળતાની ફરિયાદો કરી હતી. સોલાપુરમાં પણ ભારે તારાજી સર્જાય છે અને અહીં મુખ્ય પ્રધાન મુલાકાત પણ લઈ ગયા છે.
વિરોધપક્ષોએ સરકારની આલોચના કરવા સાથે રાજ્યમાં લીલો દુકાળ ઘોષિત કરવાની ઊગ્ર માગણી કરી છે જ, પરંતુ સરકારના પોતાના વિધાનસભ્યો જ ખેડૂતોની મદદ માટે ત્રણેય પક્ષો સામે રજૂઆતો કરી રહ્યા છે.

સત્તાપક્ષના વિધાનસભ્ય સંતોષ બાંગરે તો લીલો દુકાળ ઘોષિત કરવા, ખેડૂતોને 100 ટકા વળતર આપવાની માગણી તો કરી જ છે, સાથે 30-40 ટકા વળતરની ભીખ ન આપશો તેમ કહીને ત્રણેય નેતાને બરાબરના ભીંસમાં લીધા છે. NCP (SP)ના વિધાનસભ્ય અભિજિત પાટીલે તાત્કાલિક રૂ. 50,000 ખેડૂતોને આપવાની માગણી કરી છે, નહીંતર વિધાનસભામાં હંગામો કરશે, તેવી ધમકી આપી છે.

ખેડૂતોની તારાજી અને સ્થિતિને નિયંત્રણમાં લેવામાં સરકારની નિષ્ફળતા મહારાષ્ટ્રમાં ખૂબ મોટો રાજકીય મુદ્દો બની શકે છે, તે મહાયુતી સરકાર સારી રીતે જાણે છે. ફડણવીસ અને પવાર અત્યાર સુધી બધુ સુખરૂપ હોવાના નારા લગાવતા હતા, પરંતુ હવે ખેડૂતો અને સાથે સામાન્ય જનતાની કસોટીમાં ખરા ઉતરવાનું તેમની માટે પડકારરૂપ બની રહેશે, તે નક્કી છે.

આ પણ વાંચો…મરાઠા આરક્ષણ આટોપાયું તો મહાયુતી પર આ મોટું સંકટ આવી પડ્યુંઃ ભુજબળે કરી કોર્ટમાં જવાની તૈયારી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button