ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના નિયંત્રણો ઉઠાવવાથી મહાયુતિને ફાયદો થવાની આશા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા સાકરના કારખાના માટે ઈથેનોલના ઉત્પાદન માટે નિયંત્રણો હટાવવાનો જે નિર્ણય લીધો છે તેનો ફાયદો રાજ્યની મહાયુતિ સરકારને આગામી વિધાનસભાની ચૂંટણીમાં થવાની સંભાવના છે. રાજ્યમાં નવેમ્બરમાં ચૂંટણી થવાનો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે અને તે જ સમયમાં લગભગ શેરડીનું પિલાણ ચાલુ થશે. પશ્ર્ચિમ અને ઉત્તર મહારાષ્ટ્ર તેમ જ મરાઠવાડાની મળીને કુલ 80 બેઠકો પર શેરડીના ખેડૂતો મુખ્ય વોટ બેંક છે.
ખાદ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ નવેમ્બરથી ઇથેનોલ ઉત્પાદકોને શેરડીનો રસ, બી-હેવી અને સી-હેવી મોલાસીસનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2023માં નબળા વરસાદની સીઝન પછી ખાંડના ભંડારમાં વધારો કરવા માટે શેરડીના રસ અને સીરપનો ઉપયોગ કરીને ઇથેનોલ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આના કારણે ઇથેનોલ બનાવવાની ક્ષમતા ધરાવતી શેરડીના કારખાનાઓને ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે નુકસાન થયું હતું. ખાંડ કરતાં ઇથેનોલ વધુ સારું વળતર આપે છે અને ફેક્ટરીઓએ આ લાભ શેરડીના ખેડૂતોને આપ્યો. 2023-24 પુરવઠા વર્ષ માટે ઇથેનોલ ઉત્પાદન માટે 1.7 મિલિયન ટન ખાંડના ડાયવર્ઝનને મંજૂરી આપતા, 14 ડિસેમ્બરે પ્રતિબંધ આંશિક રીતે હટાવવામાં આવ્યો હતો. જો કે, બી-હેવી મોલાસીસ અને શેરડીના રસમાંથી ઇથેનોલના ઉત્પાદન પર પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો હતો.
પ્રતિબંધથી ખેડૂતોની આવકને અસર થઈ છે, લોકસભાની ચૂંટણીમાં ભાજપે નારાજીનો સામનો કરવો પડ્યો હતો. તેથી એપ્રિલમાં કેન્દ્ર સરકારે આંશિક પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને ખાંડ મિલોને ઇથેનોલ ઉત્પાદન માટે તેમના હાલના બી-હેવી મોલાસીસના સ્ટોકનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
હવે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક હોવાથી કેન્દ્ર સરકારે તમામ પ્રકારના ઇથેનોલ ઉત્પાદન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. નેશનલ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરી ફેડરેશનના પ્રમુખ હર્ષવર્ધન પાટીલે આ નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે તેનાથી શેરડીના ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે.
પાટીલે કહ્યું કે ફેડરેશને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને 10 ઓગસ્ટના રોજ ઇથેનોલ ઉત્પાદન પરનો પ્રતિબંધ હટાવવાની વિનંતી કરી હતી.
ફેડરેશનના અનુમાન મુજબ બી-હેવી મોલાસીસમાંથી ઇથેનોલનું ઉત્પાદન 3.29 અબજ લીટર થશે અને સીધા રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન 7.186 અબજ લીટર થશે. વર્તમાન દરે કુલ અપેક્ષિત આવક રૂ. 24,719.19 કરોડ હશે.
મહારાષ્ટ્રમાં પશ્ર્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્રના ભાગો અને મરાઠવાડાના તમામ જિલ્લાઓમાં શેરડીના ખેડૂતોની મોટી વોટ બેંક છે. જો કે ખેડૂત નેતા અને ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોને શાંત કરવા માટે મહાયુતિ સરકાર માટે ફક્ત પ્રતિબંધ ઉઠાવી લેવાનું પૂરતું નથી.
ગયા વર્ષે ઇથેનોલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાની જરૂર નહોતી. હવે તેઓ રાજકીય હેતુથી પ્રતિબંધ હટાવી રહ્યા છે, કારણ કે શેરડીના ખેડૂતોની નારાજી 80થી વધુ વિધાનસભા મતવિસ્તારોમાં મહાયુતિ સરકારને ભારે પડી શકે છે, પરંતુ માત્ર પ્રતિબંધ હટાવવાથી ખેડૂતોના પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવે. સરકારે લઘુત્તમ ટેકાના ભાવને રૂ. 32 થી વધારીને રૂ. 40 કરવા જોઈએ અને ઇથેનોલની પ્રાપ્તિ કિંમત પણ વધારવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.