જૂતા મારો આદોલનમાં સામેલ થયા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારઃ રાજકારણ ગરમાયું
મુંબઇઃ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટી પડવાનો મામલો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મામલે માફી પણ માગી હતી. PM મોદીની માફી બાદ પણ મામલો શાંત થવાને બદલે વધુ ગરમાયો છે. મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે SITની રચના કરી છે. વિપક્ષી ‘I.N.D.I.A’ ગઠબંધને આ મામલે સરકાર સામે મોરચો ખોલ્યો છે. મહાવિકાસ આઘાડી (MVA)એ મેગા મુંબઈ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી, જેને લઇને પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી હતી. વિપક્ષના આક્ષેપોનો જવાબ આપવા માટે સત્તાધારી ભાજપ અલગથી પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.
રવિવારે ગેટવે ઓફ ઈન્ડિયા પાસે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું અને સુરક્ષાના કારણોસર સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરે અને NCP (શરદ પવાર) ચીફ શરદ પવાર પણ હુતાત્મા ચોકથી શરૂ થયેલી આ કૂચમાં ભાગ લીધો હતો. વિપક્ષે આ વિરોધને ‘જૂતા મારો’ વિરોધ નામ આપ્યું છે, જેનો અર્થ છે ‘ચપ્પલ વડે મારવું’.
શિવસેના તરફથી કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના સ્વાભિમાનને જાગૃત કરવા તેઓ શિવાજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છે. શરદ પવારના જૂથ તરફથી કહેવામાં આવ્યું હતું કે ભ્રષ્ટ શિવદ્રોહીઓને બક્ષવામાં આવશે નહીં. કોંગ્રેસના મહારાષ્ટ્ર યુનિટે કહ્યું છે કે શિવદ્રોહીઓને પાઠ ભણાવવા માટે આ વિરોધ પ્રદર્શન અને માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે શિવાજી મહારાજની જે 35 ફૂટ ઊંચી પ્રતિમા પડી ગઇ, તેનું અનાવરણ ગયા વર્ષે પીએમ મોદીએ કર્યું હતું. નેવીએ સરકાર સાથે મળીને આ પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. પોલીસે આ કેસમાં સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટની ધરપકડ કરી છે અને અન્યોની સલામતીને જોખમમાં મૂકવા બદલ તેની સામે કેસ દાખલ કર્યો છે.
આ મુદ્દે ભાજપનું કહેવું છે કે આ મામલે વિપક્ષો નકામી રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહ્યા છે. વિધાનસભાની આગામી ચૂંટણીને કારણે વિપક્ષ આ મામલાને મહત્વ આપી રહ્યો છે. વિપક્ષ શિવાજી મહારાજ પ્રત્યે જે પ્રેમ દર્શાવી રહ્યો છે, તે માત્ર દેખાડો છે. તેવું ભાજપે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે રાફેલ મામલામાં રાહુલ ગાંધીએ પણ માફી માંગી હતી ત્યારે તેઓએ વિરોધ કેમ ન કર્યો? શું વડાપ્રધાનની માફી પણ પુરતી નથી? ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે પાર્ટીનો યુવા મોરચો સમગ્ર મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓ પાસે વિરોધ પ્રદર્શન કરશે અને લોકોને જણાવશે કે કોંગ્રેસ સરકારે શિવાજીના કિલ્લાઓને બચાવવા માટે કોઈ કામ કર્યું નથી.