કૌન બનેગા મુખ્યમંત્રી? મહાયુતિમાં કોના પર કળશ ઢોળાશે?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિરોધ પક્ષો મહાવિકાસ આઘાડી હોય કે પછી સત્તાધારી પક્ષ મહાયુતિ, બંનેમાં મુખ્ય પ્રધાનનો ચહેરો કોણ બનશે તે હજી પણ જાહેર કરાયું નથી. મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનવા ઇચ્છુક હોવાની ચર્ચા છે અને તે આ માટે દિલ્હી પણ ગયા હોવાનું કહેવાય છે. જ્યારે મહાયુતિમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર આ ત્રણેય મુખ્ય પ્રધાન પદના પ્રમુખ દાવેદાર માનવામાં આવે છે.
હાલમાં જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમ જ ભાજના સાંસદ અશોક ચવ્હાણે મહાયુતિની ચૂંટણીની તૈયારીઓ વિશે એક મહત્ત્વપુર્ણ ખુલાસો કર્યો હતો અને આ ચૂંટણી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં લડવામાં આવશે એવી જાહેરાત કરી હતી. જોકે, ચૂંટણીના પરિણામો બાદ ત્રણેય પક્ષ મળીને કોને મુખ્ય પ્રધાન બનાવવા તેનો ફેંસલો લેશે કરશે. કોને કેટલી બેઠકો મળે છે તેના પર તેનો આધાર રાખે છે.
જોકે, હજી સુધી મહાયુતિમાં મુખ્ય પ્રધાન પદના ચહેરા વિશે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે કે મહાયુતિમાં પણ બેઠકોની વહેંચણી અને મુખ્ય પ્રધાન પદ માટે ખેંચતાણ ચાલી રહી હોવાનું કહેવાય છે. જોકે, મહાયુતિના ત્રણેય મુખ્ય પક્ષોના નેતાઓ મહાયુતિમાં બધું જ સમુસૂતરું હોવાનો દાવો કરી રહ્યા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારે મહિલા ઉત્પીડનની ફરિયાદો ઓનલાઈન નોંધાવવાની છૂટ આપવાનો નિર્ણય લીધો: અજિત પવાર
મહાયુતિની ત્રિમૂર્તિમાં હરીફાઇ
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન પદનો ચહેરો બને તેવું ભાજપના કાર્યકરો અને ગિરીશ મહાજન, પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, પ્રધાન ચંદ્રકાંત પાટીલ જેવા અનેક નેતા માને છે. જ્યારે આવી જ સ્થિતિ શિવસેનાની છે. શિવસેનાના પ્રધાનો અને કાર્યકર્તાઓ હાલના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કામગિરીની પ્રશંસા કરી અને તેમના કામોને જોતા તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તેવો આગ્રહ રાખે છે. જ્યારે લોકસભાની ચૂંટણી પૂર્વે મહાયુતિમાં સામેલ થઇ રાજકીય ભૂકંપ લાવનારા અજિત પવાર પણ પ્રબળ દાવેદાર માનવવામાં આવે છે. નાયબ મુખ્ય પ્રધાન પદ મેળવનારા અજિત પવાર ભવિષ્યમાં મુખ્ય પ્રધાન બનવા તૈયાર હોવાનું કહેવાય છે.
વિધાનસભ્યોની સંખ્યાના આધારે ફેંસલો
ચૂંટણીના પરિણામો બાદ ક્યો પક્ષ કેટલી બેઠકો જીતે છે તેના આધારે મુખ્ય પ્રધાન બનાવવાનો ફેંસલો થશે, તેવું કહેવામાં આવી રહ્યું છે. અમુક ઠેકાણે અજિત પવારને ભાવિ મુખ્ય પ્રધાન તરીકે દેખાડતા પોસ્ટરો લાગી રહ્યા છે તો શિવસેના અને ભાજપ દ્વારા પણ શિંદે અને ફડણવીસને આગામી મુખ્ય પ્રધાન તરીકે બતાવવામાં આવી રહ્યા છે. જોકે આખરે મહાવિકાસ આઘાડીની જેમ જેના વિધાનસભ્યો વધુ હશે તેના ફાળે મુખ્ય પ્રધાનનું પદ જશે, તેવું નક્કી થયું હોવાની ચર્ચા છે.
‘કહીં ટીકિટ ન કટ જાયે…’
લોકસભાની ચૂંટણી દરમિયાન અનેક સાંસદોની ટિકીટ મહાયુતિના પક્ષોએ અને ખાસ કરીને ભાજપે કાપી હતી. વિધાનસભાની ચૂંટણીમાં પણ હાલના વિધાનસભ્યોને ઉમેદવારી ન અપાય એવો ભય હોવાનું મનાય છે. એટલે ઉમેદવારોની પસંદગી ખૂબ જ સતર્કતાથી થઇ રહ્યું છે. જોકે લોકસભામાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખી વધુને વધુ વિધાનસભ્યો ચૂંટાઇ આવે એ માટે સાવધાનીપૂર્વક ઉમેદવારો પસંદ કરવામાં આવશે. આમ છતાં વિધાનસભ્યોને પોતાની ટીકિટ ન કપાય તેનો ડર સતાવી રહ્યો છે.