મહારાષ્ટ્ર

મહાવિકાસ આઘાડી દ્વારા કપટી સરકારની ચા પાર્ટીનો બહિષ્કાર

વિધાનસભા વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે સરકાર પર આકરા પ્રહારો કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સરકારના આશીર્વાદથી રાજકારણનું અપરાધીકરણ ચાલી રહ્યું છે. સરકાર દ્વારા મરાઠા સમુદાય અને ખેડૂતો સાથે ઘોર છેતરપિંડી કરવામાં આવી છે. વિદર્ભ, મરાઠવાડાને ફાળવણીના નામે અન્યાય કરવામાં આવ્યો છે. સરકારે કૌભાંડીઓ અને કોન્ટ્રાક્ટરોના હિતોને પોષ્યા છે. પાણીની ગંભીર સમસ્યાને સરકારે જાણી જોઈને અવગણી છે. રાજકીય માળખું સળગાવવા માટે સામાજિક અણબનાવ સર્જાયો છે. સરકારની આ બેદરકારીને કારણે રાજ્યની છબી ખરડાઈ છે. સરકાર રાજ્યને બરબાદ કરીને ખાડામાં નાખવાનો કાર્યક્રમ ચલાવી રહી છે, એવા ગંભીર  આક્ષેપો કરતાં વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે સ્પષ્ટ કર્યું હતું કે મહાવિકાસ અઘાડીએ આ કપટી સરકારની ચા પાર્ટીનો બહિષ્કાર કરવાનું વલણ અપનાવ્યું છે અને કહ્યું હતું કે આવી સરકારની ચા પાર્ટીમાં જઈને તેઓ તેમના પાપમાં ભાગીદાર બનવા માગતા નથી. 
અધિવેશનના પૂર્વસંધ્યાએ સરકાર દ્વારા આયોજિત ચા પાર્ટીનો બહિષ્કાર કરવાનો નિર્ણય આજે મહાવિકાસ આઘાડીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મુંબઈમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારના સત્તાવાર નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવે, વિધાનસભામાં કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાત, એનસીપીના અનિલ દેશમુખ, શિવસેનાના સુનિલ પ્રભુ, કોંગ્રેસના ભાઈ જગતાપ, સમાજવાદી પાર્ટીના અબુ આઝમી, શેકાપના જયંત પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વડેટ્ટીવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રની રાજકીય પરંપરા સંસ્કારી છે. પરંતુ આ સરકારના કાર્યકાળમાં રાજકારણમાં ગુનાખોરી વધી છે અને રાજ્યની આદર્શ, સંસ્કારી રાજકીય પરંપરાને નુકસાન થયું છે. ગુંડાઓ મંત્રાલયમાં આવીને રીલ બનાવે છે. પુણેમાં 200 ગુંડાઓની પરેડ થાય છે, ત્યારબાદ પુણેમાં 2200 કરોડનું ડ્રગ્સ મળી આવે છે, પરંતુ સરકાર મૌન છે. કારણ કે ગુંડાઓને રાજકીય આશ્રય મળે છે, ગુંડાઓ પોલીસને ગણકારતા નથી. ચૂંટણી પહેલા ગુંડાઓની મદદ લેવામાં આવે છે. વિધાનસભ્યો પોલીસ સ્ટેશનમાં ગોળીબાર કરે છે. કેટલાક જનપ્રતિનિધિઓ ભડકાઉ નિવેદનો અને ઉશ્કેરણીજનક ભાષણો કરીને રાજકીય વાતાવરણને કલુષિત કરે છે. જાહેર મંચ પરથી માતાઓ અને બહેનો વિશે જે પણ કહેવામાં આવે છે, સરકાર તેમને સમર્થન આપે છે. સરકાર પ્રત્યક્ષ અને આડકતરી રીતે ગુંડાઓને પોષી રહી છે.

સરકારે મરાઠા સમુદાય સાથે ફરી છેતરપિંડી કરી છે. આરક્ષણના નામે મરાઠા સમાજને ઠેંગો દેખાડવામાં આવ્યો છે. કોર્ટમાં ટકી ન શકે તેવી અનામત આપવામાં આવી છે. ખેડૂતો સાથે ઘોર છેતરપિંડી થઈ છે. ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી થતી નથી. ડુંગળી પરનો નિકાસ પ્રતિબંધ હટાવવામાં આવ્યો નથી. કપાસ, સોયાબીન ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે ખરીદવામાં આવી રહ્યા છે. દૂધ ઉત્પાદક ખેડૂતોને પાંચ રૂપિયાની સબસિડી આપવામાં આવી નથી. તેમ છતાં સરકાર પોતાની પીઠ થાબડી રહી છે. સૌથી વધુ આત્મહત્યા મહારાષ્ટ્રમાં થઈ રહી છે. નાગપુર શિયાળુ સત્રની ઘોષણાઓનો અમલ થતો નથી. વિદર્ભ, મરાઠવાડાના ખેડૂતો અને જનતા સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ખેડૂતોની આત્મહત્યા અટકતી નથી. તેથી અમે આ સરકારની ચા પાર્ટીનો બહિષ્કાર કર્યો છે. અમે તેમના પાપમાં સહભાગી લઈશું નહીં. અમે આ કપટી ચા પાર્ટી નહીં લઈએ, એમ તેમણે કહ્યું હતું. 

વડેટ્ટીવારે કહ્યું હતું કે, આ સરકારે માત્ર કોન્ટ્રાક્ટરો, કૌભાંડીઓના હિતોને પોષ્યા છે. કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવાની કામગીરી કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર હિમાલયની ટોચે પહોંચી ગયો છે. રાજ્યમાં પાણીની સમસ્યા ગંભીર છે. તેમ છતાં સરકાર ગંભીર નથી. આગામી સમયમાં પીવાના પાણી અને ખેતીના પાણીની સમસ્યા વધુ ગંભીર બનશે. આ સરકાર ખેડૂત વિરોધી છે અને પાણીના પ્રશ્નની અવગણના કરે છે. પાર્ટીને તોડવામાં વ્યસ્ત સરકાર પાસે લોકોના કામ કરવા માટે સમય નથી. વિદર્ભનો મુદ્દો, ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતા, કૌભાંડોની શ્રેણી, ભ્રષ્ટાચારમાં વધારો, દલિતોને અન્યાય, મુસ્લિમોને અન્યાય, ડ્રગ્સ કેસ, રાજકારણનું અપરાધીકરણ રાજ્યની છબીને બગાડી રહ્યું છે.

મરાઠા-ઓબીસી, એનટી (ધનગર)-એસટી (આદિવાસી), દલિત-સવર્ણ, હિન્દુ-મુસ્લિમ વચ્ચે તણાવ સર્જાયો હતો. તેને સરકારનો આશીર્વાદ મળ્યો. છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા જ્યોતિબા ફૂલે, રાજર્ષિ શાહુ મહારાજ, બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહારાષ્ટ્રમાં તમામ સમુદાયો વચ્ચે તંગદિલીનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. રાજકીય લાભ મેળવવા માટે સરકારે આ સમાજમાં ઝઘડા ઉભી કરવાનો કારસો કર્યો છે. સરકારની નિષ્ક્રિયતાને કારણે એક પછી એક પેપર ફૂટવાના કેસ સામે આવી રહ્યા છે. પરીક્ષાર્થીઓમાં હતાશાનું વાતાવરણ છે. યુવાનોની આશાને બરબાદ કરતી આ સરકારની ચા પાર્ટીમાં સહભાગી થવું એ યુવાનોનું અપમાન હશે, તેથી આ ચા પાર્ટીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing