મહારાષ્ટ્રમાં શિયાળામાં વરસાદનું યલો એલર્ટ

મુંબઇઃ ચક્રવાત ફેંગલને કારણે મહારાષ્ટ્રમાં હવામાનની પેટર્ન બદલાઇ ગઇ છે. ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી અને ક્યારેક વચ્ચે વરસાદ ટાપસી પુરાવી દે છે. હાલમાં ચક્રવાત ફેંગલને કારણે ઠંડીનું જોર ઘટ્યું છે અને વરસાદનું જોર વધ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવે ભારતીય હવામાન વિભાગે કોંકણ-ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે. કેટલાક જિલ્લાઓને ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોંકણ ગોવા, રત્નાગીરી, સિંધુદુર્ગ, મધ્ય મહારાષ્ટ્રના પુણે, સતારા, સાંગલી, સોલાપુર અને મરાઠવાડાના સંભાજીનગર, બીડ, લાતુર અને ધારાશિવ જિલ્લામાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. આ સમયે પવનની ઝડપ 30 થી 40 પ્રતિ કલાક રહેશે.
પુણે શહેર અને જિલ્લામાં આગામી બે દિવસ સુધી શુષ્ક હવામાન સાથે વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક ક્યાક હળવો વરસાદ પડશે. જોકે, મહત્તમ અને લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. ગઇકાલે દિવસભર પુણે શહેરમાં લોકોને ભારે ગરમીનો અહેસાસ થયો હતો.
Also read: મહારાષ્ટ્રની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારી…
રાજ્યના ગોંદિયા જિલ્લામાં ચાર-પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ અને ક્યાં ક્યાંક છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, જેનાથી ખેતીને નુક્સાન થઇ રહ્યું છે. આ કમોસમી વરસાદ ડાંગર, શાકભાજી અને તુવેર, ચણા જેવા પાકો માટે જોખમી બની રહ્યો છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે દ્રાક્ષના ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે.