મહારાષ્ટ્રમાં આદિવાસીઓ હવે વેરાન જમીન ખાનગી સંસ્થાઓને ભાડે આપી શકશે, સરકાર કાયદો લાવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ શનિવારે જણાવ્યું હતું કે રાજ્યના આદિવાસી ખેડૂતો ટૂંક સમયમાં તેમની વેરાન જમીન ખાનગી સંસ્થાઓને ભાડે આપી શકશે, જેનાથી તેઓ વધારાની આવક મેળવી શકશે અને આ અંગે કાયદો લાવવામાં આવશે.
જોકે, કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો હતો કે સરકારના આ નિર્ણયથી ઉદ્યોગપતિઓને ફાયદો થશે અને આદિવાસીઓનું શોષણ થશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલાથી આદિવાસીઓને આવકનો સ્થિર સ્ત્રોત મેળવવાની તક તો મળશે તે ઉપરાંત તેમના માલિકી હકોનું પણ રક્ષણ થશે.
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા, બાવનકુળેએ કહ્યું, ‘આ નિર્ણયથી આદિવાસી જમીનમાલિકોને ફાયદો થશે. જો કોઈ આદિવાસી ખેડૂત ઉદ્યોગપતિ સાથે ભાગીદારીમાં પોતાની જમીન વિકસાવવા માગે છે, તો તે હવે જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરી શકે છે અને અંતિમ નિર્ણય લઈ શકે છે. અગાઉ, આવા પ્રસ્તાવોને મુંબઈમાં રાજ્યના વહીવટી મુખ્યાલય મંત્રાલયમાં મંજૂરી આપવામાં આવતી હતી.’
આ પણ વાંચો: આદિવાસીઓના ઉત્થાન માટે ફડણવીસે ‘વાંસ મિશન’ શરૂ કર્યું
જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે પ્રસ્તાવિત કાયદો ફક્ત વેરાન જમીન પર લાગુ થશે, આદિવાસીઓની માલિકીની ફળદ્રુપ જમીન પર નહીં.
‘પાલઘર અને નંદુરબાર જિલ્લાના આદિવાસી જમીનમાલિકો તરફથી મને ઘણી વિનંતીઓ મળી છે. જો કોઈ ખાનગી કંપની સરકારી યોજના હેઠળ સોલાર પેનલ સ્થાપિત કરવા માગે છે, તો તે આદિવાસી જમીનમાલિક સાથે કરાર કરી શકે છે, જેમને નિશ્ર્ચિત વાર્ષિક ચુકવણી મળતી રહેશે. વેરાન જમીનમાંથી આવી આવક શક્ય નહીં હોય,’ એમ બાવનકુળેએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે પ્રસ્તાવિત કાયદો આદિવાસી માલિકીનું પણ રક્ષણ કરશે, કારણ કે જો જમીન લાંબા સમય માટે ભાડે આપવામાં આવે તો પણ, માલિકને કરાર કરાયેલી એન્ટિટી પાસેથી વાર્ષિક ચુકવણી મળતી રહેશે.
શુક્રવારે અગાઉ, મંત્રીએ કહ્યું હતું કે આદિવાસી ખેડૂતો તેમની જમીન સીધી ખાનગી કંપનીઓને ભાડે આપી શકશે.
હાલમાં, આદિવાસી ખેડૂતોને ખાનગી કંપનીઓ સાથે સ્વતંત્ર રીતે ભાડા કરાર કરવાની પરવાનગી નથી.
તેમણે કહ્યું હતું કે પ્રસ્તાવિત ફેરફારનો હેતુ તેમને ખાનગી રોકાણની સીધી પહોંચ આપવા અને તેમના હોલ્ડિંગમાંથી વધારાની આવક ઉત્પન્ન કરવાનો છે.
આવા કરારોમાં પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાયી પ્રક્રિયા સુનિશ્ર્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટરની ભાગીદારીની જરૂર પડશે, એમ પણ તેમણે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું.
‘લઘુત્તમ લીઝ ભાડું વાર્ષિક રૂ. 50,000 પ્રતિ એકર અથવા રૂ. 1,25,000 પ્રતિ હેક્ટર રહેશે. ખેડૂતો અને ખાનગી પક્ષો પરસ્પર વધુ રકમ નક્કી કરી શકે છે,’ એમ પણ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત એસટી કમિશનથી 1.35 કરોડથી વધુ આદિવાસીઓને લાભ થશે: પ્રધાન…
બાવનકુળેએ જણાવ્યું હતું કે જો આદિવાસી ખેડૂતોની જમીન પર મોટા કે નાના ખનીજ મળી આવે તો તેમને ખનિજ નિષ્કર્ષણ માટે ખાનગી કંપનીઓ સાથે સમજૂતી કરાર (એમઓયુ) કરવાની મંજૂરી આપવામાં આવશે.
ખેડૂતોને પ્રતિ ટન અથવા કાઢવામાં આવેલા ખનીજ દીઠ નાણાકીય લાભ મળશે, જોકે લાભની ચોક્કસ માત્રા હજુ નક્કી કરવામાં આવી નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું.
અધિકારીઓના મતે, આદિવાસી સમુદાયોને તેમના માલિકી હકોનું રક્ષણ કરતી વખતે આવકનો સ્થિર સ્ત્રોત સુરક્ષિત કરીને સક્ષમ બનાવવા માટે એક નીતિ બનાવવામાં આવી રહી છે. અત્યાર સુધી, આદિવાસી જમીનનો કોઈપણ દુરુપયોગ અટકાવવા માટે આવા વ્યવહારોનું કડક નિયમન કરવામાં આવતું હતું, જેના કારણે ઘણીવાર વિલંબ થતો હતો અને રાજ્ય-સ્તરીય પરવાનગીઓ પર નિર્ભરતા રહેતી હતી.
જોકે, મહારાષ્ટ્ર કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન વિજય વડેટ્ટીવારે એવો આરોપ લગાવ્યો હતો કે સરકારના નિર્ણયથી ઉદ્યોગપતિઓને ફાયદો થશે.
‘આ નિર્ણય મૂળભૂત રીતે ચોક્કસ ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી લોકોને ફાયદો પહોંચાડવા માટેનો છે જેઓ પ્રસ્તાવિત નવા કાયદાનો ઉપયોગ કરીને આદિવાસીઓનું શોષણ કરશે,’ એવો દાવો તેમણે કર્યો હતો.