નવા ક્રિમિનલ કાયદા લાગુ કરવામાં મહારાષ્ટ્ર મોખરે હોવું જોઈએ: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કહ્યું હતું કે મહારાષ્ટ્ર નવા ક્રિમિનલ કાયદાઓના અમલમાં મોખરે રહેવું જોઈએ અને તેમણે અધિકારીઓને દરેક ઘટકનો અસરકારક અમલ સુનિશ્ર્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન ડો. પંકજ ભોયર અને યોગેશ કદમ તેમજ મુખ્ય સચિવ રાજેશ કુમાર સહિત અન્ય લોકોની હાજરીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે યોજાયેલી બેઠકમાં ફડણવીસે નવા ફોજાદારી કાયદાઓના અમલની સમીક્ષા કરી હતી.
આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આરોપીઓની તપાસ ઝડપી બનાવવામાં અને તેમને સજા અપાવવામાં નવા કાયદાઓ મદદ કરી રહ્યા છે. આનાથી દોષી ઠેરવવાનો દરમાં સુધારો થયો છે. મહારાષ્ટ્રે આ કાયદાઓના દરેક પાસાને લાગુ કરવામાં અન્ય રાજ્યો કરતા આગળ રહેવું જોઈએ, એમ પણ ફડણવીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ઘણા લોકો દેવેન્દ્ર ફડણવીસની ખુરશી પ્રત્યે વક્ર દ્રષ્ટિ ધરાવે છે: ઉદ્ધવ ઠાકરે
તેમણે સૂચના આપી કે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ (સીસીટીએનએસ) હેઠળ નોંધાયેલી એફઆઈઆરને ઇલેક્ટ્રોનિક રીતે કોર્ટમાં ટ્રાન્સમિટ કરવામાં આવે અને સિસ્ટમને શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવે.
ફડણવીસે એવા પણ નિર્દેશ આપ્યા હતા કે ગુનો દાખલ થયાના 60 દિવસની અંદર દાખલ કરાયેલી ચાર્જશીટની ટકાવારી વધારવી જોઈએ અને આ પ્રગતિ પર દેખરેખ રાખવા માટે એક અધિકારીની નિમણૂંક કરવામાં આવે.
ફડણવીસે નાગપુર અને અમરાવતી માટે બે અલગ જેલ વિભાગો બનાવવા અને નાગપુર અને વર્ધામાં નવી જેલ માટેના પ્રસ્તાવો રજૂ કરવાની પણ હાકલ કરી હતી. તેમણે થાણેમાં નવી જેલના નિર્માણની પણ સમીક્ષા કરી હતી.
ફડણવીસે અધિકારીઓને ઇ-એફઆઈઆરને ઇ-વિટનેસ સ્ટેટમેન્ટ સાથે જોડવાની અને નાગરી-કેન્દ્રિત સેવાઓ સુનિશ્ર્ચિત કરવાની સૂચના આપી હતી.
આ પણ વાંચો : મહિલા ડૉક્ટરના મૃત્યુની તપાસ માટે એસઆઇટીની રચના કરવાનો ફડણવીસનો આદેશ…
ફડણવીસે અધિકારીઓને તેમના કેસોની સ્થિતિ વિશે એસએમએસ અપડેટ્સ પ્રાપ્ત કરાવવા, બધા પોલીસ કર્મચારીઓને નવા કાયદા હેઠળ તાલીમ આપવી અને ક્ષમતા નિર્માણની પહેલ નિયમિતપણે હાથ ધરવા જોઈએ એમ પણ જણાવ્યું હતું. પુરાવા સંગ્રહને મજબૂત બનાવવા માટે મોબાઇલ ફોરેન્સિક વાનનો ઉપયોગ કરવો જોઈએ અને આવી બધી 251 વાન ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવવી જોઈએ.
મીટિંગમાં રજૂ કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર, અત્યાર સુધીમાં 2,884 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ પૂર્ણ થઈ ગઈ છે. 2,148 કોર્ટરુમ અને 60 જેલોમાં વિડિયો કોન્ફરન્સિંગ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
1 જુલાઈ, 2024થી 30 સપ્ટેમ્બર, 2025 દરમિયાન, 958 ઈ-એફઆઈઆર અને 12,398 શૂન્ય એફઆઈઆર નોંધાઈ હતી, જેમાં અન્ય રાજ્યોમાંથી 2,871 કેસોનો સમાવેશ થાય છે. નવા ફોજદારી કાયદા હેઠળ, આ જ સમયગાળા દરમિયાન 1,34,131 કેસોમાં 60 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.



