સરકારી ખુરશી પર ગીત ગાનારા તહસીલદાર સસ્પેન્ડ: ‘યારાના’ ગીત ગાવું પડ્યું મોંઘુ

લાતુર: મહારાષ્ટ્રના એક તહસીલદારને તેમના ટ્રાન્સફર બાદ વિદાય સમારંભમાં પોતાની સત્તાવાર ખુરશી પર બેસીને બોલીવુડનું ગીત ગાવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
વાયરલ વીડિયો મુજબ પ્રશાંત થોરાટ ૧૯૮૧ની અમિતાભ બચ્ચન-અભિનીત ફિલ્મ ‘યારાના’નું ગીત ‘યારા તેરી યારી કો’ ઉત્સાહપૂર્વક ગાઈ રહ્યા છે અને તેમની આસપાસના લોકો તાળીઓ પાડી રહ્યા છે. થોરાટની પાછળનું બોર્ડ ‘તાલુકા મેજિસ્ટ્રેટ’ દર્શાવે છે.
નાંદેડ જિલ્લાના ઉમરી ખાતે ફરજ બજાવતા થોરાટની બદલી પાડોશી લાતુર જિલ્લાના રેણાપુરમાં થઈ હતી અને તેમને ૩૦ જુલાઈએ રાહત આપવામાં આવી હતી. તેમણે તે જ દિવસે નવી જગ્યાનો કાર્યભાર સંભાળ્યો. આ બંને જિલ્લાઓ મરાઠવાડા વિભાગનો ભાગ છે.
૮ ઓગસ્ટના ઉમરી તહસીલ કચેરીએ થોરાટ માટે એક વિદાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન થોરાટે સ્ટાફની હાજરીમાં કિશોર કુમાર ચાર્ટબસ્ટર ‘યારા તેરી યારી કો’ ગાયું હતું, જે સોશિયલ મીડિયા પર પહોંચ્યું હતું, જેના કારણે તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી અને ઘણા લોકોએ આ વર્તનને જવાબદાર સરકારી પદ પર બિરાજમાન વ્યક્તિ માટે અયોગ્ય ગણાવ્યું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ભિવંડી કોર્ટથી આરોપી ફરાર થવા પ્રકરણે છ કોન્સ્ટેબલ સસ્પેન્ડ…
આ વિવાદ વિશે જાણ્યા પછી નાંદેડ કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓને એક અહેવાલ સુપરત કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે થોરાટના વર્તનથી વહીવટની છબી ખરાબ થઈ છે અને મહારાષ્ટ્ર સિવિલ સર્વિસીસ (આચાર) નિયમો, ૧૯૭૯નું ઉલ્લંઘન થયું છે, એમ અધિકારીએ જણાવ્યું. છત્રપતિ સંભાજીનગર સ્થિત ડિવિઝનલ કમિશનર ઓફ રેવન્યુ જિતેન્દ્ર પાપલકરે રિપોર્ટ પર કાર્યવાહી કરી અને શનિવારે થોરાટને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.