આવક રળવા એસટી હવે રિટેલમાં ઈંધણનું વેચાણ કરશે: ટેન્ડર પ્રક્રિયા શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવકનો નવો સ્રોત ઊભો કરવાના હેતુથી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એસટી) હવે રાજ્યભરમાં પોતાની તમામ જગ્યા પર ૨૫૦થી વધુ કમર્શિયલ સ્તર પર પેટ્રોલ અને ડિઝલની સાથે જ સીએનજી અને ઈલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ હોય તેવા રિટેલ શોપ ઊભા કરવાની છે. તે માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
એસટીની આર્થિક પરિસ્થિતિ અત્યંત નાજુક છે. તેથી આવક ઊભી કરવા પોતાની જગ્યા પર સોલાર એનર્જીનું ઉત્પાદન કરવાથી લઈને અનેક નવા સ્રોત્ર ઊભા કરવાની યોજના એસટી અમલમાં મૂકવાની છે, તેમાં હવે રીટેલમાં ઈંધણ વેચવાની યોજના પણ બનાવી છે. રાજ્યના પરિવહન પ્રધાન અને એસટીના અધ્યક્ષ પ્રતાપ સરનાઈકે આ બાબતે જણાવ્યું હતું કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની આર્થિક પરિસ્થિતિ નબળી છે. ફકત પ્રવાસી ટિકિટના વેચાણથી થનારી આવક પણ એસટીનો ગુજારો થઈ શકે એમ નથી. તે માટે આવકના નવા સ્રોત ઊભા કરવા આવશ્યક છે.
આ પણ વાંચો: સ્ટેટ ટ્રાન્સપોર્ટ થશે આર્થિક રીતે સધ્ધર પોતાની માલિકીની જગ્યા પર સોલાર ઍનર્જી પ્લાન્ટ ઊભો કરશે
ગયા ૭૦ વર્ષ કરતા વધુ સમયથી એસટી મહામંડળ ઈન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમ આ સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપની પાસેથી ડિઝલ સહિતનું ઈંધણ વેચાતું લેતી આવી છેે. હાલ ૨૫૧ ઠેકાણે એસટીના પોતાની જગ્યા પર પેટ્રોલ પંપ ઊભા કરીને તેના દ્વારા ફક્ત એસટીની બસ માટે ડિઝલનું વિતરણ કરવામાં આવે છે. પેટ્રોલ પંપ ચલાવવાનો અને તેની દેખરેખનો એસટી મહામંડળને સારો અનુભવ છે. તેથી ભવિષ્યમાં સામાન્ય ગ્રાહક માટે પણ પેટ્રોલ અને ડિઝલ તથા સીએનજી જેવા પારંપારિક ઈંધણ વેચાણની સાથે જ ઈલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ હોય તેવા પંપ ઊભા કરવાનું પ્રસ્તાવિત હોવાનું સરનાઈકે જણાવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં એસટીની પોતાની માલિકીની જયાં જગ્યા છે, તેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હોઈ એવી ૨૫૦ કરતા વધુ જગ્યા પર ૪૦ બાય ૩૦ મીટર જગ્યા નિશ્ર્ચિત કરવામાં આવી રહી છે. આ ઠેકાણે એસટી મહામંડળના ફકત ઈંધણ વેચાણ જ નહીં પણ રિટેલ શોપ પણ ઊભા કરવામાં આવવાના છે.



