મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશેષ જાહેર સુરક્ષા બિલ મંજૂર, મુખ્ય પ્રધાને ખાતરી આપી કે દુરુપયોગ નહીં થાય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાએ ગુરુવારે ધ્વનિ મતદાન દ્વારા વિશેષ જાહેર સુરક્ષા બિલ (સ્પેશિયલ પબ્લિક સિક્યોરીટી બિલ)ને મંજૂરી આપી હતી, જેનો હેતુ શહેરી નક્સલવાદ પર લગામ લગાવીને ડાબેરી ઉગ્રવાદી સંગઠનોની ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવાનો છે.
રાજ્યના ગૃહ ખાતાનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નીચલા ગૃહમાં મહારાષ્ટ્ર વિશેષ જાહેર સુરક્ષા બિલ રજૂ કર્યું હતું.
ફડણવીસે જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાના બંને ગૃહોની સંયુક્ત પસંદગી સમિતિ દ્વારા સુધારા સાથે તેને મંજૂરી આપવામાં આવી હતી, તેમણે ખાતરી આપી હતી કે જ્યારે તે અમલમાં આવશે, ત્યારે નવા કાયદાનો દુરુપયોગ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: શહેરી વિસ્તારોમાં સક્રિય માઓવાદી-સંબંધિત જૂથો માટે વિશેષ જાહેર સુરક્ષા કાયદાની જરૂર છે: મુખ્ય પ્રધાન ફડણવીસ
વિપક્ષોએ બિલના કેટલાક પાસાઓ પર વાંધો ઉઠાવ્યો હતો, જેમાં તેમણે એવો દાવો કર્યો હતો કે ‘શહેરી નક્સલ’ શબ્દનું વ્યાપક અર્થઘટન કરવામાં આવ્યું છે. આ બિલ હજુ સુધી વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવ્યું નથી.
રાજ્ય અને દેશની સલામતી અને સુરક્ષા મહત્વપૂર્ણ છે અને દેશના લોકશાહી અને બંધારણ વિરુદ્ધ કામ કરતી સંસ્થાઓની પ્રવૃત્તિઓને રોકવા માટે આ કાયદો સમયની માગ હતી, એમ ફડણવીસે જણાવ્યું હતું.
‘સત્તાનો કોઈ દુરુપયોગ થશે નહીં. આ એક સંતુલિત કાયદો છે, અને તેલંગણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં અમલમાં રહેલા કાયદા કરતાં વધુ પ્રગતિશીલ છે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: શહેરી નક્સલવાદ વિરોધી બિલ પર સુળે આક્રમક; સમીક્ષાની માગણી કરી
તેમણે એમ પણ કહ્યું હતું કે સંયુક્ત પસંદગી સમિતિના કોઈપણ સભ્યે બિલ સામે અસંમતિ વ્યક્ત કરી નથી.
બિલ રજૂ કરતી વખતે ફડણવીસે કહ્યું હતું કે તેનો અંતિમ મુસદ્દો તૈયાર કરતી વખતે જનતા તરફથી મળેલા 12,500 થી વધુ સૂચનો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
બિલમાં ‘સલાહકાર બોર્ડ’ માટેની જોગવાઈઓ સામેલ છે, જેનું નેતૃત્વ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કરશે.
બોર્ડના સભ્યો જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા હાઇકોર્ટના સરકારી વકીલ હશે, જ્યારે કાયદા હેઠળ નોંધાયેલા કેસોમાં તપાસ અધિકારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને બદલે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના દરજ્જાના હશે.
ગયા વિધાનસભાના શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને સંયુક્ત પસંદગી સમિતિને મોકલવામાં આવ્યું હતું.