મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં બીજો આપઘાતઃ જાણીતી બેકરીના માલિકે કર્યો આપઘાત, જાણો કારણો?

મુંબઈ/સોલાપુરઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં બે આપઘાતના ચોંકાવનારા કિસ્સા જાણવા મળ્યા છે. એક બનાવ તો પુણેમાં બન્યો હતો, જેમાં એક યુવકે ફેસબુક લાઈવ કરીને સ્યુસાઈડ કર્યું હતું ત્યાં બીજા એક બનાવમાં જાણીતા વેપારીએ સ્યુસાઈડ કરીને લોકોને ચોંકાવ્યા છે. કહેવાય છે કે એક આધેડવયના વેપારીએ 17મા માળેથી કૂદતા પહેલા બે હાથ જોડીને પ્રાર્થના કરીને જીવનનો અંત આણ્યો હતો.

મૃતકની ઓળખ સુનીલ મોતીલાલ સદારંગાની તરીકે કરવામાં આવી છે. આ બનાવ ગુરુવારે બપોરના ચાર વાગ્યાના સુમારે બન્યો હતો. સદારંગાની શહેરના જાણીતા મુલતાની બેકરીના માલિક પણ છે. જેઓ 60 વર્ષના હતા. આપઘાતના ખબરથી સમગ્ર વિસ્તારના લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

મળતી માહિતી અનુસાર તેઓ ગુરુવારે બપોરે વિજાપુર રોડ સ્થિત પનાશ એપાર્ટમેન્ટ ખાતે આવ્યા હતા. લિફ્ટનો ઉપયોગ કર્યા વિના તેઓ છેક ઉપર પહોંચ્યા હતા. જોકે, ઈમારતના 17મા માળ પર સંદીગ્ધ રીતે ફરતા જોવા મળ્યા હતા. અમુક લોકોએ વીડિયો પણ બનાવ્યો હતો અને વોચમેનને પણ તેની જાણકારી આપી હતી. ઓફિસમાં હાજર કર્મચારીએ 17મા માળે પહોંચીને એમને નીચે પણ લઈ આવવાનો પ્રયાસ કર્યો હતો.

દસમા માળ સુધી લાવ્યા આવ્યા પછી સદારંગાનીએ કહ્યું કે તેમની ગાડીની ચાવી ખોવાઈ ગઈ છે એમ કહીને ફરી ઉપર ગયા હતા. થોડી મિનિટ પછી તેઓ પણ ઉપર ગયા હતા, પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. સાક્ષીઓએ કહ્યું હતું કે ઉપર ગયા ત્યારે તેમને પહેલા હાથ જોડ્યા અને પછી કૂદકો મારી દીધો હતો. બનાવની જાણ થયા પછી વિજાપુર નાકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પણ બહુ મોડું થયું હતું.

પોલીસે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કારની નંબર પ્લેટ અને દસ્તાવેજોના આધારે તેમની ઓળખ કરીને પરિવારના સભ્યોને જાણ કરી હતી.

મૃતક સદારંગાની મૂળ સોલાપુરના રહેવાસી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પુણેમાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી તેઓ માનસિક તણાવમાં હતા. આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. પુણેથી સોલાપુર ક્યારે આવ્યા અને કારણ શું હતું. હાલના તબક્કે પોલીસ સીસીટીવી કેમેરા મારફત તપાસ કરી રહી છે. સિવિલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે તેમ જ પરિવારના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. આ બનાવને કારણે સ્થાનિક વેપારીઓમાં શોકના માહોલ છવાઈ ગયો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button