મહારાષ્ટ્રમાં રહેલા બધા પાકિસ્તાની નાગરિકોનો પત્તો મેળવ્યો, દેશનિકાલની વ્યવસ્થા કરી: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં પાકિસ્તાની નાગરિકો ગુમ થઈ ગયા હોવાના અહેવાલોને રદિયો આપતાં કહ્યું હતું કે બધાનો પત્તો મળી ગયો છે અને તેમના દેશનિકાલ કરવાની ખાતરી આપી હતી.
ફડણવીસે કહ્યું કે કેન્દ્રના નિર્દેશો અનુસાર રાજ્યમાંથી પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પુણેમાં પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, ‘રાજ્યના ગૃહ પ્રધાન તરીકે, હું તમને વિનંતી કરું છું કે આ મુદ્દા પર કોઈ ખોટા સમાચાર ન ચલાવો. મહારાષ્ટ્રમાં કોઈ પાકિસ્તાની નાગરિક ગુમ નથી અને તે બધાનો પત્તો મળી આવ્યો છે. તે બધાને દેશનિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં કોઈ પાકિસ્તાની નાગરિક બાકી રહેશે નહીં. કાલ સુધીમાં બધાને પાછા મોકલી દેવામાં આવશે,’ એમ મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પુણેમાં આવ્યા હતા.
બાવીસમી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે, જેના કારણે ભારતે 27 એપ્રિલથી પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા રદ કરવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્ર પોલીસે રાજ્યભરમાં વિવિધ વિઝા પર રહેતા પાકિસ્તાની નાગરિકોને શોધી કાઢવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે.
રાજ્યમાં પાણીની સ્થિતિ વિશે બોલતાં ફડણવીસે કહ્યું હતું કે, ‘એપ્રિલ અને મે મહિનામાં ડેમમાં પાણીનો સંગ્રહ ઓછો છે. પાણીના સંગ્રહ અંગે આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં, રાજ્યના તમામ ડેમમાં પાણીનો સંગ્રહ 38 ટકા છે.’