મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં પહલગામ ઘટના પર મહાયુતિમાં ‘શ્રેયવાદની લડાઈ’

કોંગ્રેસ કહે છે કે મુખ્ય પ્રધાન ફડણવીસે એક-મેકની ઉપરવટ જવાને બદલે કેબિનેટ બેઠક બોલાવીને જવાબદારીઓ ફાળવવી જોઈતી હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પહલગામ આતંકવાદી હુમલાથી મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે શ્રેયવાદની લડાઈ ચાલુ થઈ ગઈ છે, દરેક પક્ષના નેતા પોતાના પક્ષના સભ્યો સાથે મળીને ફસાયેલા પ્રવાસીઓના બચાવ અને રાહત કાર્ય માટે સંકલન કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ભાજપના ટોચના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે શ્રીનગરથી રાજ્યના ફસાયેલા મુસાફરોને પરત લાવવા માટે બે ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી. તે જ સમયે, નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદે બુધવારે રાત્રે ખાનગી જેટમાં શ્રીનગર પહોંચ્યા હતા, તેમણે અલગથી ત્રણ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી.

નાયબ મુખ્ય પ્રધાન દ્વારા ગોઠવાયેલી એક ફ્લાઇટ ગુરુવારે બપોરે 65 મુસાફરો સાથે શહેરમાં ઉતરી હતી, જ્યારે મુખ્ય પ્રધાન કાર્યાલયે ગુરુવારે બપોરે 83 મુસાફરોની યાદી જારી કરી હતી.

આપણ વાંચો: મોદી સરકાર પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે: ફડણવીસ

બંને નેતાઓએ ફસાયેલા લોકોને મદદ કરવા અને પાછા લાવવા માટે કામગીરી માટે પોતાના પક્ષના નેતાઓનો સમૂહ તૈનાત કર્યો હતો, જેમાં ફડણવીસ અને શિંદે ફસાયેલા મુસાફરોને ઘરે પાછા ફરવાની વ્યવસ્થા કરવા માટે વિવિધ કેન્દ્રીય પ્રધાનો સાથે સંકલન કરી રહ્યા હતા. કોંગ્રેસે મહાયુતિ પર પ્રહાર કરતા કહ્યું છે કે જ્યારે દેશે આતંકવાદ સામે એક થવું જોઈએ ત્યારે ચડસાચડસીના વલણનું પ્રદર્શન દુર્ભાગ્યપૂર્ણ છે.

મંગળવાર રાત્રે, ફડણવીસે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એકસ પર પોસ્ટ કરી હતી કે સરકાર જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં છે. તેમણે ત્યારબાદ મૃતકો અને ઘાયલોના નામ વિશે વિગતો પોસ્ટ કરી હતી.

બુધવારે ફડણવીસના નજીકના સહાયક અને ભાજપના આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન ગિરીશ મહાજનને શ્રીનગર મોકલવામાં આવ્યા હતા. મુંબઈ અને પુણેમાં સંકલનની જવાબદારી, જ્યાં પીડિતોના પાર્થિવ શરીર સાથેની ફ્લાઇટ્સ ઉતરી હતી, તે ભાજપના પ્રધાનોને સોંપવામાં આવી હતી.

આપણ વાંચો: સંજય રાઉતે પહલગામ આતંકવાદી હુમલા માટે ભાજપની ‘નફરતની રાજનીતિ’ને જવાબદાર ગણાવી

આશિષ શેલાર અને મંગલપ્રભાત લોઢાને સંકલન માટે મુંબઈ એરપોર્ટ જવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે ભાજપના પ્રધાન માધુરી મિસાળને પુણે એરપોર્ટ મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન, મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારના સભ્યો સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી.

લોજિસ્ટિક્સમાં સામેલ ન થવાથી દેખીતી રીતે નારાજ શિવસેનાએ પોતાના પ્રધાનો અને નેતાઓને મોકલ્યા હતા. વધુમાં શિંદે પોતે બુધવાર સાંજે ખાનગી જેટમાં શ્રીનગર પહોંચ્યા, જે તેમણે મંગળવારે રાત્રે શિવસેનાના નેતાઓની એક ટીમ જમ્મુ અને કાશ્મીર મોકલી હતી.

આ દરમિયાન, નાયબ મુખ્ય પ્રધાનના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે, મહારાષ્ટ્રના પ્રધાન ગુલાબરાવ પાટિલ અને યોગેશ કદમ સાથે એરપોર્ટ ગયા હતા જ્યાં ભાજપના પ્રધાન આશિષ શેલાર અને લોઢા હાજર હતા. આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરને પુણે એરપોર્ટ જવા માટે કહેવામાં આવ્યું હતું.

આપણ વાંચો: પહેલગામ હુમલાના પીડિતોને 1 કરોડની સહાય કરવા આપના નેતા ગોપાલ ઇટાલિયાની માંગ

કોંગ્રેસે મહાયુતિની ટીકા કરી

મુખ્ય પ્રધાને આવા સમયે કેબિનેટ બેઠક બોલાવવી જોઈતી હતી, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે જણાવ્યું હતું કે ‘તેમણે બધાને વિશ્ર્વાસમાં લઈને જવાબદારીઓ વહેંચવી જોઈતી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓના લોકશાહીનો આ આદર છે. તેના બદલે, તેમણે એકપક્ષી રીતે બધા નિર્ણયો લીધા હતા.’

શિંદેએ પણ તેને જવા દેવા જોઈતા હતા. તેના બદલે, તેમણે શ્રીનગરમાં પોતાના કાર્યને દર્શાવતી પોતાની રીલ્સ ફેલાવી. તેઓ શું દર્શાવવા માગે છે? આ સમય છે કે દરેક વ્યક્તિએ પોતાના અંતરને બાજુ પર રાખીને એક દેશ તરીકે સાથે ઊભા રહેવું જોઈએ. આપણે મહાયુતિમાં હંમેશા આંતરિક ઝઘડાઓ જોઈએ છીએ.

પરંતુ આ સમયે, તેઓએ સાથે ઊભા રહેવું જોઈતું હતું અને કેન્દ્ર સાથે સુમેળમાં સંકલન કરવું જોઈતું હતું, તેમણે ઉમેર્યું, મહારાષ્ટ્ર માટે આ સ્થિતિ જોવી દુર્ભાગ્યપૂર્ણ છે. શિવસેના (યુબીટી)ના પક્ષના પ્રવક્તા સંજય રાઉતે પણ એવો આરોપ લગાવ્યો હતો કે મહાયુતિમાં શ્રેયવાદની લડાઈ ચાલી રહી છે.

આપણ વાંચો: શરદ પવારે પહલગામ હુમલામાં માર્યા ગયેલા બે પુણેના રહેવાસીઓના પરિવારજનોને મળ્યા

શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેની કરી ટીકા

શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી)ની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. અત્યારે ઠાકરે અને તેમનો પરિવાર દેશની બહાર ગયો છે. ‘જ્યારે વડા પ્રધાન વિદેશયાત્રા અડધી પડતી મૂકીને પાછા આવી ગયા. અમિત શાહ પહલગામ દોડી ગયા. એકનાથ શિંદે રાહત કાર્ય માટે શ્રીનગર પહોંચી ગયા છે.

પરંતુ ઠાકરે પરિવારે શું કર્યું? તેઓ યુરોપમાં ઠંડી હવા માણી રહ્યા છે. કાશ્મીરમાં ફસાયેલા આપણા લોકો માટે તેમણે એક બાટલી પાણી પણ મોકલ્યું છે? એવો સવાલ શિવસેનાના સંસદસભ્ય નરેશ મ્હસ્કેએ કર્યો હતો.

તેમણે એમ પણ કહ્યું હતું કે ઈર્શાલ કિલ્લાની હોનારત હોય, કોલ્હાપુર અને કેરળના પૂર હોય કે પછી અત્યારની શ્રીનગરની સ્થિતિ હોય, એકનાથ શિંદે કાયમ લોકોની સાથે રહ્યા છે. તેઓ બાળ ઠાકરેના વારસાને આગળ ચલાવી રહ્યા છે, એમ મ્હસ્કેએ કહ્યું હતું.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : પહલગામમાં હુમલો, હવે પાકિસ્તાનને જવાબ આપવો પડે

મહાયુતિમાં વિવાદ? ચંદ્રશેખર બાવનકુળેએ આપ્યો રદિયો

મહાયુતિમાં ત્રણેય પક્ષોના નેતાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે, એમ જણાવતાં બાવનકુળેએ એવો કટાક્ષ કર્યો હતો કે વિરોધીઓ આનાથી દુ:ખી થઈ રહ્યા હશે.

પહેલગામમાં કાશ્મીરમાં પ્રવાસ પર ગયેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશ આઘાતમાં છે. મહારાષ્ટ્રના પ્રવાસીઓને ખાસ ફ્લાઇટ દ્વારા મુંબઈ લાવવામાં આવી રહ્યા છે.

મુખ્ય પ્રધાન ફડણવીસે તાત્કાલિક ગિરીશ મહાજનને કાશ્મીર મોકલ્યા, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ તેમનું અનુકરણ કર્યું. બંનેએ અલગ અલગ પ્રવાસીઓની મુલાકાત લીધી. ગભરાયેલા પ્રવાસીઓને ધરપત આપવાનો પ્રયાસ કર્યો હતો.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક ગિરીશ મહાજનને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન તરીકે કાશ્મીર મોકલ્યા. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ શ્રીનગરની મુલાકાત લીધી અને પર્યટકો સાથે મુલાકાત કરી હતી. તેઓ શિવસેના પક્ષના નેતા તરીકે ગયા. આમાં રાજકારણ ક્યાં આવ્યું? એવો સવાલ બાવનકુળેએ પૂછ્યો હતો.

આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન ગિરીશ મહાજન અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કાશ્મીર ગયા અને મહારાષ્ટ્રના તમામ પ્રવાસીઓની સંભાળ રાખી. તેમને હિંમત આપી. તેમને મહારાષ્ટ્ર પાછા લાવવા માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.

પહલગામમાં થયેલી આતંકવાદી ઘટના દેશ માટે ખતરનાક છે. દરેક વ્યક્તિ આતંકવાદીઓને પાઠ ભણાવવાની માગણી કરી રહી છે. આના પર રાજકારણ રમવું યોગ્ય નથી, એમ જણાવતાં બાવનકુળેએ કહ્યું હતું કે મહાયુતિના ત્રણેય નેતાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button