આમચી મુંબઈમહારાષ્ટ્ર

કોને ફાંસી આપી?: મુખ્ય પ્રધાનની વાયરલ ક્લિપ પર વરસી પડ્યા સંજય રાઉત, નેટીઝન્સ પણ કરી રહ્યા છે સવાલ…

મુંબઈઃ બદલાપુરની એક શાળામાં બે બાળકી પર થયેલા અત્યાચાર મામલે લોકોને રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઉપનગર થાણે જિલ્લામાં હોવાથી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે વધારે ભીંસ અનુભવી રહ્યા છે. તેવામાં શિંદેની એક ક્લિપે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

શિંદેની એક ક્લીપ વાયરલ થઈ છે, જેમાં તેમણે બદલાપુરમાં થયેલું રેલ રોકો આંદોલન રાજકીય હતું અને મહારાષ્ટ્રમાં ચાર મહિના પહેલા બનેલી આવી જ એક બળાત્કારની ઘટનામાં અમે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવ્યો અને આરોપીને બે મહિનામાં ફાંસી આપી, તેમ જણાવ્યું છે. હવે આ આરોપી અને તેની ફાંસીની સજા મામલે લોકો તેમને સવાલો કરી રહ્યા છે.

શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉત તેમના પર વરસી પડ્યા છે. તેમણે આ ઘટનાની માહિતી માગતા જણાવ્યું હતું કે કયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો, કઈ કોર્ટમાં ચાલ્યો, કઈ જેલમાં ફાંસીની સજા આપી તેની માહિતી શિંદે આપે. તેમણે એમ પણ કહ્યું કે ફાંસીની સજા માટે રાજભવનમાં નોંધણી કરવાની હોય છે. તેમણે રાજ્યપાલને પણ આ મામલે ગંભીરતાથી વિચારવા કહ્યું. આ સાથે તેમણે શિંદે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક નંબરના જુઠ્ઠા માણસો કહ્યા.

તેમણે એવો આક્ષેપ પણ કર્યો કે શિંદે કાળા જાદુમાં માને છે અને તેમનો અડધો દિવસ આ બધામાં જતો હોય છે. તેમને એમ થયું હશે કે કોઈએ કાળો જાદુ કરી એક સાથે લાખો લોકોને તેમાન વિરોધમાં એકઠા કર્યા. માત્ર બદલાપુરમાં જ નહીં આખા રાજ્યમાં આ ઘટના વિરુદ્ધ રોષ છે અને તેમના પુત્રના મતદાર સંઘમાં ઘડેલી ઘટનમાં પીડિતના પરિવારને પોલીસે દસ કલાક સુધી હેરાન કર્યા છે, તે માટે વિરોધકોને દોષીત કઈ રીતે ઠેરવી શકાય.

મરાઠી અભિનેતા કિરણ માનેએ પણ મુખ્ય પ્રધાનની ક્લિપ મામલે નારાજગી વ્યકત કરી છે અને આટલી ગંભીર ઘટના મામલે શિંદે ખોટું કઈ રીતે બોલી શકે તેવો સવાલ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button