મહારાષ્ટ્ર

ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર દેશમાં અવ્વલ: સતત ત્રીજા વર્ષે રાજ્યએ આ ક્રમ જાળવી રાખ્યો

નાગપૂર: ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં સૌથી અવ્વલ આવ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એક અહેવાલમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય તેવા રાજ્યોની જાણકારી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર લાંચ રુશ્વત વિરોધી વિભાગે સૌથી વધુ 749 લાંચ રુશ્વત કેસમાં કાર્યવાહી કરી છે.

મહારાષ્ટ્રની લગભગ બધી જ સરકારી ઓફીસીસ પર ભ્રષ્ટાચારનો સિક્કો લાગ્યો છે. પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ, મહાનગરપાલિકા અને મંત્રાલયમા કાર્યરત કર્મચારીઓ દ્વારા સૌથી વધુ લાંચ માંગવાના કિસ્સાઓ જાણવા મળ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર બાદ બીજો નંબર રાજસ્થાનનો આવે છે.


જ્યાં 511 કેસ નોંધાયા છે જ્યારે ત્રીજા ક્રમાંકે આવનાર કર્ણાટકમાં 389 ગુના નોંધાયા છે. એસીબીએ દાખલ કરેલ ગુનાઓ પૈકી 94 ટકા કેસ હજી કોર્ટમાં પેન્ડીગ છે. આમા દોષી સાબિત થયા હોય તેવા માત્ર 8.2 ટકા કેસ છે. પાછલા વર્ષે લાંચ રુશ્વતના કેસમાં 1044 લોકોની અટક થઇ હતી. જોકે કોર્ટે માત્ર 44 લોકોને સજા ફટકારી હતી. જ્યારે 453 લોકો નિર્દોષ છૂટ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે પ્રશાસકીય વ્યવસ્થામાં જે ખામીઓ જોવા મળી છે તેની પર વહેલી તકે ઉપાય શોધવાની જરુર છે. ઉપરાંત જે કર્મચારી દોષી સાબિત થાય તેને જે તે વિભાગમાંથી સસ્પેન્ડ કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહીની જરુર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button