મહારાષ્ટ્ર નગર પરિષદની ચૂંટણી: જ્યારે માત્ર ‘એક વોટ’ થી નક્કી થયું ઉમેદવારોનું નસીબ

મુંબઈ: મહારાષ્ટ્ર નગર પરિષદની ચૂંટણીના પરિણામોમાં અનેક રસપ્રદ જીત જોવા મળી હતી, જેમાં ખાસ કરીને બે ઉમેદવારની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બંને ઉમેદવારોએ-ત્રણ જીતનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉમેદવારો કોઈ મોટા અંતરથી નહીં, પરંતુ માત્ર એક વોટથી જીત્યા છે.
સંદીપ ભિસે અને પ્રમિલા પંચાલ આ બંને ઉમેદવારો એક-એક વોટથી જીત્યા હતા. સંદીપ ભિસેએ રત્નાગિરી જિલ્લાની ચિપલૂણ નગર પરિષદમાં માત્ર એક મતના અંતરથી જીત મેળવી હતી. તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા. કોંકણ ક્ષેત્રના રત્નાગિરી અને સિંધુદુર્ગ સહિત અનેક નગર પરિષદોમાં ભાજપ અને મહાયુતિ ગઠબંધનને મજબૂત લીડ મળી હતી.
બીજી તરફ પુણેની વડગાંવ નગર પંચાયત વોર્ડ નંબર ૨ની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)ના ઉમેદવાર સુનીતા રાહુલ ઢોરેનો પણ વિજય થયો છે. સુનીતાએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ઉમેદવાર પૂજા આતિશ ઢોરેને માત્ર ૧ મતના અંતરથી હરાવ્યા હતા.
ભાજપના ઉમેદવાર પ્રમિલા પંચાલ પણ નાંદેડની મુદખેડ નગર પરિષદના પ્રમુખ તરીકે માત્ર એક મતે વિજેતા થયા છે. તેમના હરીફ એઆઇએમઆઇએમના ઉમેદવારે ફરીથી મતગણતરી કરવાની માંગ કરી હતી, પરંતુ ફરી ગણતરી બાદ પણ તફાવત માત્ર એક મતનો જ રહ્યો હતો.



