મહારાષ્ટ્ર

રાજ્યના પ્રધાન મહાજને જેનરિક દવાઓના વેચાણ અંગે સહકારી ઝીરવાલ પર નિશાન તાક્યું

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ગુરુવારે સસ્તી જેનેરિક દવાઓથી વંચિત રહી જતા હોવાના અહેવાલના મુદ્દે રસપ્રદ વળાંક જોવા મળ્યો, જેમાં રાજ્યના પ્રધાન અને ભાજપના નેતા ગિરીશ મહાજને એનસીપીના તેમના કેબિનેટ સાથીદાર નરહરી ઝીરવાલના જવાબ પર નારાજી વ્યક્ત કરી હતી.

મહાજને ગૃહને ‘લોકોની લૂંટ’ થઈ રહી હોવાના મુદ્દે ‘સ્પષ્ટ નિર્દેશો’ જારી કરવામાં આવે એવી માગણી કરી હતી.
રાજ્યના અન્ન અને ઔષધ ખાતાના પ્રધાન ઝીરવાલે પ્રશ્ર્નકાળ દરમિયાન ગૃહને કહ્યું હતું કે જે મેડિકલ સ્ટોર્સ જેનરિક દવાઓ વેચતા નથી અથવા તેને ઊંચા ભાવે વેચી રહ્યા છે તેમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે, તે પછી મહાજને નિરાશા વ્યક્ત કરી અને અધ્યક્ષ સ્થાને રહેલા રામ શિંદે સાથે દલીલ કરી હતી.

આ પણ વાંચો: ભ્રષ્ટાચાર અને ગેરરીતિના ચક્રવ્યૂહમાં દવાઓ અને તબીબી ઉપકરણોનો વ્યવસાય

મુંબઈમાં જસલોક, બોમ્બે હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલો છે જ્યાં દર્દીઓને ઇન-હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. આ દવાઓ મોંઘી છે અને તેના દ્વારા લોકોની લૂંટ ચલાવવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિકલ સ્ટોર્સ દ્વારા જેનેરિક દવાઓ વેચવાની આ ઝુંબેશને ટેકો આપ્યો છે, પરંતુ કેટલાક લોકો તેનું પાલન કરતા નથી, એમ મહાજને કહ્યું હતું.

‘હું ઇચ્છું છું કે ગૃહ આ સંદર્ભમાં સ્પષ્ટ નિર્દેશો જારી કરે,’ એવો આગ્રહ મહાજને રાખ્યો હતો.

ત્યારબાદ વિધાન પરિષદના અધ્યક્ષ શિંદેએ દરમિયાનગીરી કરીને કહ્યું કે ઝીરવાલે ‘સંતોષકારક જવાબ’ આપ્યો છે.
‘મહાજને તેમના વિભાગને વળગી રહેવું જોઈએ અને સંબંધિત પ્રધાને ગૃહને સંતોષકારક જવાબ આપી દીધો છે,’ એમ શિંદેએ કહ્યું હતું.

આ પણ વાંચો: Gujarat સરકારે કર્યો હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને રાહત આપતો આ મોટો નિર્ણય

વિપક્ષે બાંધી કાળી પટ્ટીઓ

વિધાન પરિષદમાં ચાલી રહેલા આ વિવાદ દરમિયાન બુધવારે વિશ્ર્વાસ પ્રસ્તાવ પસાર કરતી વખતે શિંદેના વર્તનનો વિરોધ કરવા માટે વિપક્ષી વિધાનસભ્યોએ આખો દિવસ કાળી રિબન પહેરીને પરિષદમાં હાજરી આપી હતી.

તેઓએ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળીને પરિષદની કામગીરી પર નિરાશા વ્યક્ત કરવા માટે એક પત્ર સુપરત કર્યો હતો.

એક દિવસ પહેલા, વિપક્ષે કહ્યું હતું કે તેઓ શિંદેનો વિરોધ કરવા માટે કાળી રિબન પહેરશે અને ઉપાધ્યક્ષ નીલમ ગોર્હે કાર્યભાર સંભાળશે ત્યારે કાર્યવાહીમાં સહભાગી થશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button