સરકાર ઉકેલ પર કામ કરી રહી છે, વિપક્ષ રાજકારણ કરી રહ્યું છે: ભાજપના પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે રવિવારે કહ્યું કે રાજ્ય સરકાર મરાઠા ક્વોટા મુદ્દાને ઉકેલવા માટે કામ કરી રહી છે અને આ બાબતે કાર્યકર્તા મનોજ જરાંગે દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર કાનૂની સલાહ લેશે.
પત્રકારો સાથે વાત કરતા, વિખે પાટીલે વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓ પર આ મુદ્દાના ઉકેલ માટે યોગદાન આપવાને બદલે ‘રાજકારણ’ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
વિખે પાટીલ મરાઠા સમુદાયની અનામતની માગણી અને તેની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિ સંબંધિત મુદ્દાઓ પર કેબિનેટ સબ-કમિટીના વડા છે.
આ પણ વાંચો: મરાઠા સમુદાય માટે ઓબીસીમાં અનામત અશક્ય; સિનિયર મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલની સ્પષ્ટ વાત
અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણી હેઠળ મરાઠાઓ માટે 10 ટકા ક્વોટાની માગણીને લઈને જરાંગે શુક્રવારથી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં બેમુદત ભૂખ હડતાળ પર ઉતર્યા છે.
તેમણે એવી પણ માગણી કરી છે કે મરાઠાઓને ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ કૃષિ જાતિ કુણબી તરીકે માન્યતા આપવામાં આવે, જેનાથી તેઓ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત માટે પાત્ર બનશે,
વિખે પાટીલ શનિવારે મોડી રાત્રે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક એક કલાક ચાલી હતી.
આ પણ વાંચો: મુંબઈમાં મરાઠા આંદોલન: સ્વચ્છતા જાળવવાનો પડકાર, 800 કર્મચારી ખડેપગે
બાદમાં, જરાંગે દ્વારા રજૂ કરાયેલા ઓબીસી શ્રેણીમાંથી મરાઠાને અનામત આપવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે રવિવારે વિખે-પાટીલના નિવાસસ્થાને કેબિનેટ સબ-કમિટીની બેઠક પણ યોજાઈ હતી.
પ્રધાનો ગિરીશ મહાજન, દાદા ભૂસે, મકરંદ પાટિલ, શિવેન્દ્રરાજે ભોસલે અને અન્ય લોકોએ બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં કેટલાક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ સામેલ હતા. કાયદો અને ન્યાય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર હતા.
બેઠક પછી, વિખે પાટીલે કહ્યું કે જરાંગેના પ્રસ્તાવ પર ચર્ચા સકારાત્મક રહી હતી.
‘મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ પેટા-સમિતિ આ મામલાને ઉકેલવા માટે કામ કરી રહી છે. અમે હૈદરાબાદ અને સાતારા ગેઝેટિયર્સ સંબંધિત મુદ્દાઓની પણ તપાસ કરી છે. અમલ દરમિયાન કાનૂની અવરોધો ટાળવા માટે, અમે રાજ્યના એડવોકેટ જનરલનો પણ સંપર્ક કરીશું,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: સીએમ ફડણવીસે અડધી રાત્રે કરી બેઠકઃ મરાઠા આરક્ષણ મામલે જાણો લેટેસ્ટ અપડેટ્સ
વિખે પાટીલે કહ્યું કે બીડના વિધાનસભ્યો દ્વારા રજૂ કરાયેલા સૂચનો સહિત અનેક સૂચનો પેનલ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.
એનસીપી (એસપી)ના વડા શરદ પવાર પર કટાક્ષ કરતા, વિખે-પાટીલે પૂછ્યું કે ચાર વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને એક દાયકા સુધી કેન્દ્રીય પ્રધાન રહેલા પીઢ રાજકારણીએ અગાઉ કોઈ પગલાં કેમ લીધા ન હતા?
‘પવાર હવે મરાઠા ક્વોટા મુદ્દાને ઉકેલવા માટે બંધારણમાં સુધારો કરવાની વાત કરે છે. તેમણે મંડલ કમિશન સમક્ષ અથવા જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે આ મુદ્દો કેમ ઉઠાવ્યો નહીં? તેમણે ક્યારેય મરાઠાઓનો સમાવેશ સુનિશ્ર્ચિત કર્યો નહોતો. ‘મરાઠાઓને ઓબીસી (શ્રેણી) હેઠળ અનામત મળી શકે છે કે નહીં, તે તેમણે સ્પષ્ટ કરવું જોઈએ, હવે ઉપદેશ આપવાને બદલે,’ એમ વિખે પાટીલે કહ્યું હતું.