મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં મહાયુતિ 192 અને ભાજપ 107 બેઠક પર આગળ

મુંબઈ : મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના શરૂઆતી ટ્રેન્ડમાં મહાયુતિ 192 અને ભાજપ 107 બેઠક પર આગળ છે. જ્યારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના 48 સ્થાનિક સંસ્થાઓમાં આગળ છે. મહાવિકાસ અઘાડી હાલમાં 46 સંસ્થાઓમાં આગળ છે. જેમાં 288 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોમાંથી 253 માં મતગણતરી ચાલી રહી છે.
સતારામાં 10માંથી 5 જીલ્લા પરિષદના પ્રમુખ પદ પર ભાજપની જીત
આ ઉપરાંત ભાજપે ત્રણ બેઠકો બિનહરીફ જીતી છે. જેમાં ડોંડાઈચા મ્યુનિસિપલ કાઉન્સિલ (ધુલે) અને અંગાર નગર પંચાયત (સોલાપુર) ના સભ્યો અને પ્રમુખો બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે જામેર મ્યુનિસિપલ પ્રમુખ માટેના મતદાનમાં પણ કોઈ વિરોધ જોવા મળ્યો નથી. આ દરમિયાન સતારામાં 10માંથી 5 જીલ્લા પરિષદના પ્રમુખ પદ પર ભાજપની જીત થઈ છે. આ પ્રારંભિક વલણ મહાયુતિના મજબુત પ્રદર્શનના સંકેત આપે છે.
288 નગર પરિષદો-પંચાયતો માટે મતગણતરી
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોજાયેલા મતદાનનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. રાજ્યની 246 નગર પરિષદ અને 42 નગર પંચાયત મળીને કુલ 288 નગર પરિષદો-પંચાયતો માટે મતગણતરી સવારે 10 વાગ્યાથી શરૂ થશે જેમાં પ્રથમ તબક્કામાં 263 નગર પરિષદો-પંચાયતો માટે મતદાન યોજાયું હતું. બાકીની નગર પરિષદો અને નગર પંચાયતોના પ્રમુખ અને સભ્ય પદો તેમજ આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં 143 ખાલી સભ્ય પદો માટે મતદાન શનિવારે યોજાયું હતું.
મહાયુતિ અને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી વચ્ચે મુકાબલો
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ગઠબંધન મહાયુતિ અને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી વચ્ચે છે. જોકે, અમુક સ્થળોએ એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીના સભ્યો સત્તાધારી પક્ષના ગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડ્યા છે.



