રાજ્યની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં એક તરફી વિજય માટે ચૂંટણી પંચ અને મની પાવર જવાબદાર: વિરોધપક્ષનો આક્ષેપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણી પંચે રાજ્યની નગરપંચાયત અને નગરપરિષદની ચૂંટણી ઊભી કરેલી આપેલી તમામ સુવિધાઓને કારણે મહાયુતીનો વિજય થયો હોવાનો આક્ષેપ વિરોધપક્ષ કૉંગ્રેસ અને શિવસેના(યુટીબી)એ તેમની હાર બાદ કર્યો હતો.
રાજ્યની ૨૮૬ નગરપંચાયત અને નગરપરિષદની ચૂંટણીની રવિવાર સવારથી મતગણતરી ચાલુ થઈ હતી. રાજ્યના અમુક વિસ્તારમાં મહાયુતિના ભાગીદાર ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ એકબીજાની સામે લડી હતી. તો મહાવિકાસ આઘાડીમાં અમુક જગ્યા પર શિવસેના (યુબીટી), એનસીપી (શરદ પવાર)અને કૉંગ્રેસ એકબીજા વિરુદ્ધ લડી હતી.
રવિવારના વહેલી સવારથી ચાલી રહેલી મતગણતરી બાદ ધીમે ધીમે મહાયુતિના ઉમેદવારોને વિજેતા જાહેર કરવાની સાથે જ કૉંગ્રેસે રાજ્યના ચૂંટણી પંચને રાજ્યમાં શિવસેના અને ભાજપની જીત માટે જવાબદાર ગણાવ્યા હતા.
રાજ્યના કૉંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સકપાળે રાજ્યમાં તેમના પક્ષના જીતી ગયેલા ઉમેદવારને અભિનંદન આપ્યા હતા. એ સાથે જ તેમણે મહાયુતિના ઉમેદવારોને વિજયી બનાવવા માટે મદદ કરનારા ચૂંટણી પંચને પણ કટાક્ષ કરતા અભિનંદન આપ્યા હતા.
યુબીટીના નેતા આંબાદાસ દાનવેએ મહાયુતિના ઉમેદવારોની જીત માટે પૈસા અને મસલ પાવરને જવાબદાર ગણાવ્યા હતા. જોકે રવિવારની ચૂંટણીનાં પરિણામની આગામી ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીને કોઈ અસર નહીં થાય તેવો ભારપૂર્વક દાવો પણ કર્યો હતો.
ગ્રામીણ વિસ્તારની સરખામણીમાં શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા મોટી હોવાથી સાથે જ તેમની સમસ્યાઓ, મુદ્દાઓ અલગ હોય છે અને શહેરના મતદારોના વિચાર પણ અલગ હોય છે એવો દાવો પણ તેમણે કર્યો હતો.
પાંચમાંથી ચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અધ્યક્ષ પદ ભાજપને મળ્યું
રાજ્યમાં નગર પંચાયલ અને નગરપરિષદની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં લાતુર જિલ્લામાં પાંચ સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાંથી ચાર જગ્યાએ અધ્યક્ષ પદ જીતવામાં ભાજપ સફળ રહી હતી. ભાજપના ફાળે ઉદ્ગીર, અહેમદપુર, નિલાંગા અને રેણુપુરની ચૂંટણીમાં અધ્યક્ષ પદ મળ્યું હતું. જ્યારે મહાયુતિના તેમના સાથી પક્ષ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજીત પવાર)ના પક્ષે ઔસામાં અધ્યક્ષ પદ જીત્યું હતું. ઔસામાં ભાજપનું પ્રભુત્વ હોવા છતાં અહી રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ઉમેદવારે અધ્યક્ષ પદ જીત્યું હતું.
સોલાપૂરમાં એક જ પરિવાના ત્રણ સભ્યનો ભવ્ય વિજય
સોલાપુર જિલ્લાના કરમાળાનું ચૂંટણી રિઝલ્ટ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં એક જ ઘરના ત્રણ ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે, જેમાં ભાઈ-બહેન અને ભાભીનો સમાવેશ થાય છે. કરમાળા નગરપાલિકા ચૂંટણીમાં નગરસેવક પદ માટે ભાઈ, બહેન અને ભાભીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. લતા ઘોલપ, સચિન ઘોલપ અને નિર્મલા ગાયકવાડે ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડી હતી અને ત્રણેય જણ બહુમતીએ ચૂંટણી જીતી ગયાં હતાં.
નંદુરબારમાં ભાજપનો પરાજય: અજીત પવારનો હાથ ઉપર
નંદુરબાર નગરપરિષદની ચૂંટણી પહેલા દિવસથી ચર્ચામાં રહી હતી. જીલ્લામાં ચારેય નગરપરિષદની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ હતી. અહીં બે નગરપરિષદમાં નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારના નેતૃત્વની રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો વિજય થયો હતો. એક જગ્યાએ શિવસેના શિંદે ગ્રૂપનો વિજય થયો હતો. તો શહાદા નગર પરિષદમાં જનતા વિકાસ આઘાડીના ઉમેદવાર વિજયી થયા હતા.
નંદુરબાર નગર પરિષદની ચૂંટણી પહેલા દિવસથી ચર્ચામાં રહી હતી. અહીં છેલ્લાં ૨૦ વર્ષથી શિંદેની શિવસેનાના વિધાનસભ્ય ચંદ્રકાંત રઘુવંશીની એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં તેમનાં પત્ની રત્ના રઘુવંશી પણ ઉમેદવાર હતાં અને તેમણે ભાજપ સહિત ઠાકરેની શિવસેના અને અપક્ષના ઉમેદવારોને પડકાર આપ્યો હતો. છતાં ખરી લડત શિવસેના વિરુદ્ધ ભાજપની હતી અને તેમા ભાજપને પડાછવામાં તેઓ સફળ રહ્યા હતા. નંદુરબાર નગરપરિષદમાં શિવસેના શિંદે ગ્રૂપના ૨૯, ભાજપના આઠ અને એમઆઈએમના ચાર ઉમેદવાર જીતી ગયા છે.



